બીલીમોરા: (Bilimora) બીલીમોરાના વખારીયા બંદર રોડ ઉપર સાગર દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં સોમવાર રાત્રે ત્રણ બંધ મકાનને (House) નિશાન બનાવી તસ્કરો રૂપિયા 20.20 લાખ રોકડ, 3 કિલો ચાંદી અને સોનાંનાં ઘરેણાં મળી 35.70 લાખની માલમત્તા ચોરી જતા ચકચાર મચી હતી.
- ચોરોને પણ ખબર પડી ગઇ કે આ મોઘા થયેલા લસણના વેપારીનું ઘર છે
- બીલીમોરામાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 35.70 લાખના સોના ચાંદીનાં ઘરેણાં અને રોકડ ચોરી થતા ગભરાટ
- બીલીમોરામાં તસ્કરો લસણ-શાકભાજીના વેપારીને ત્યાંથી રોકડા 20 લાખ ચોરી ગયા
બીલીમોરા વખારીયા બંદર રોડ સાગર દર્શન નજીક રહેતા અને લસણ-શાકભાજીનો વ્યવસાય કરતા વૈજનાથ જુરીભાઈ યાદવ સોમવાર રાત્રે મકાન બંધ કરી પડોશમાં પોતાના બીજા મકાનમાં પરીવાર સુતા હતાં. તે દરમિયાન બંધ મકાનનો નકુચો તોડી તસ્કરો ત્રાટક્યા હતા. ચોરોએ કબાટ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં શાકભાજી વેપારનાં રોકડા રૂપિયા 20 લાખ સાથે રૂપિયા 15 લાખની ત્રણ કિલો ચાંદી અને સોનાનાં ઘરેણાં મળી કુલ રૂપિયા 35 લાખની માલમત્તા ચોરી ગયા હતા. જે બાદ પડોશમાં રહેતા નિલેશભાઈ ગાંધી મકાનનાં ઉપરનાં માળે પરીવાર સાથે હતા. તે વેળા નીચેનાં મકાનનો નકુચો તોડી રૂપિયા 20 હજાર રોકડા અને 10 ગ્રામ સોનાનું મંગળસૂત્ર મળી 70 હજારની માલમત્તા ચોરી ગયા હતા. જે બાદ નજીકમાં રહેતા નવીનચંદ્ર ત્રિભુવનદાસ રાણાનાં મકાનમાં ચોરો ફાવ્યા ન હતા. બીલીમોરા પોલીસમાં લેખિત જાણ કરાઇ હતી. પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી.
બીલીમોરામાં એક જ થીયરીથી બીજી ચોરીને અંજામ અપાયો
અત્રે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ અગાઉ પણ સોહરા ચાલમાં એનઆરઆઇ ઘર બંધ કરીને કચ્છ દરગાહે માથું ટેકવવા ગયા હતા તેઓને ત્યાં પણ લાખોની ચોરી થઈ હતી. અહીં પણ બાજુના મકાનને નિશાન બનાવાયું હતું. તેજ થીઅરી પ્રમાણે બીજી ચોરીને એક સપ્તાહમાં બીજી વખત અંજામ અપાયો હતો. જોકે આટલી મોટી ચોરી થઈ હોવા છતાં પોલીસે હાલતો માત્ર અરજી લઇને કામ ચલાવી રહી છે.