ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ગુરુવારે સવારથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં વિતેલા 10 કલાકમાં સાડા ત્રણ ઇંચ પાણી પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ગુરુવારે સવારે 6 થી બપોરે 4 કલાકમાં 85 એમએમ એટલે કે અંદાજિત સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. બીલીમોરામાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેમાં અચાનક વરસાદ પડી જતાં બ્રિજના કામને અસર પહોંચી છે.
કાદવ કીચડનું સામ્રાજ્ય વધી જતા બ્રિજ આજુબાજુના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. અચાનક પડેલા ભારે વરસાદને કારણે બીલીમોરા-ચીખલી માર્ગ ઉપર પ્રજાપતિ વાડી પાસે રોડ પર પાણીનો ભરાવો થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદે ખેડૂતોને ખુશ કરી દીધા હતા. નવસારીમાં આજે સવારથી જ પવનો સાથે વરસાદ પડી રહ્યો હતો. આજે ગુરૂવારે સવારે પોલીસ કચેરીથી પોલીસ વાન મેઇન્ટેનન્સ માટે જઈ રહી હતી. ત્યારે એરૂ ગામ પાસે ફુંકાતા પવનોને કારણે પોલીસ વાન પર ઝાડ પડી ગયું હતું. જેના પગલે વાનને ભારે નુકસાન થયું હતું, જોકે સ્થાનિકોએ વાન ચાલકને બહાર કાઢતા ચાલકનો બચાવ થયો હતો. જ્યારે સ્થાનિકોએ વાન પરથી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
બીલીમોરામાં ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાતાં બાઇકચાલક ખાબક્યો
હાલમાં જ બીલીમોરાના ચિમોડીયા નાકા પાસે ચાલતી ડ્રેનેજની લાઈનનું રીપેરીંગ કામ છેલ્લા બે દિવસથી થઈ રહ્યું છે જેને માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાઇ જતા ત્યાંથી પસાર થતાં મોટરસાયકલ ચાલક અકસ્માતે તેમાં ખાબક્યો હતો. જે કે તેનો આબાદ બચાવ થયો હતો. પણ પોણા ભાગની તેની મોટરસાયકલ ખાડાના પાણીમાં ગરક થઈ ગઈ હતી.