Entertainment

અનુપમ ખેરની ‘અનુપમ’ જિંદગીનો સારાંશ

યુવાનીમાં પૌઢ યા વૃધ્ધના પાત્રો ભજવવા બાબતે સંજીવકુમાર તો હંમેશા યાદ રહેશે પણ વર્તમાન સમયમાં આલોકનાથ, અનુપમ ખેરને પણ તમે યાદ કરી શકો. હમણાં 25મા મેના રોજ ‘સારાંશ’ રજૂ થયાને 38 વર્ષ થાય ત્યારે અનુપમ ખેર ખૂબ ભાવુક થયો હતો. એ ફિલ્મનું બી.વી. પ્રધાનનું પાત્ર ભજવતી વખતે તે માત્ર 29 વર્ષનો હતો. આમ તો આ ઉંમરે વૃધ્ધના પાત્ર ભજવવાથી કોઈ કારકિર્દીનો આરંભ ન કરે પણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી રહેલા અનુપમને એવો કોઈ સંકોચ થયો ન હતો. તે વખતે મુંબઈમાં અનુપમ નવોનવો હતો. અત્યારે તે મર્સિડીઝ કારમાં ફરે છે અને સફળ સ્ટાર-અભિનેતા છે. તે વખતે તે ખેરવાડી, ખેરરોડ, ખેરનગર બાન્દ્રામાં ચાર મિત્રો સાથે રહેતો. નાનુ અમથું, મુંબઈમાં મળી શકે તેવું ઘર.

હમણાં તે ત્યાં ગયો અને 3 જૂન 1981માં જે ઘરમાં પ્રવેશ કરેલો ત્યાં ગયો ને એ ઘરમાં એક વર્ષ રહેલો એ ઘરમાં નીચે જમીન પર સુવાનું અને બહાર લારી પર જઈ સવારે ચા પીવાની. હમણાં તે ઘર ગયો તે એકદમ ભાવુક બની ગયો. જેણે મકાન ભાડે આપેલું તેમની દિકરીને મળ્યો ને પૂછ્યું કે તે વખતે હું સારો હતો કે કેવો હતો? અનુપમનું એવું છેકે તે પોતાને વિતેલા સમયથી અલગ નથી કરતો એટલે મહેશ ભટ્ટ યા યશ ચોપરાને યાદ કરતાં ભાવુક બની જાય છે. ‘સારાંશ’ વખતે મહેશ ભટ્ટ પણ સ્ટ્રગલર જ હતા. તેમની પાસે સાવ જૂદી જ વાર્તાઓ અને એકસ્પ્રેશન હતું પણ કોઈ મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ બનાવવાની હેસિયત નહોતી. છ ફિલ્મો બનાવી ચુકેલા તો પણ તેઓની હેસિયત હજુ અનુપણ જેવા નવોદિતને લેવાની જ હતી.

અલબત્ત, અનુપમમાં રહેલી અભિનય પ્રતિભાની તેમને ખબર હતી અને ‘સારાંશ’ જાણે અનુપમના અભિનય વિસ્ફોટથી ખાસ બની ગઈ. એ ફિલ્મ તેમાનાં હિન્દી ફિલ્મ પ્રવેશનો એન્ટ્રી કાર્ડ બની ગઈ અને આજે તેઓ 400થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. હકીકતે ‘સારાંશ’ પછી નાની નાની ભૂમિકાઓ ‘જનમ’ પછી મોટી બનતી ગઈ. તે વખતે તેઓ જે મળે તે ભૂમિકા કરતા પણ નિષ્ફથી કરતા એટલે ‘રામલખન’, ‘ચાંદની’, ‘પરિંદા’, ‘દિલ’ સહિતની ફિલ્મો ઉમેરાતી ગઈ. અનુપમે કામ કરવું હતું એટલે કરતા હતા અને ‘લમ્હે’ પછી યશ ચોપરાએ પણ તેમને ખાસ માન્યા. આજે એ ફિલ્મો વડે જ તેઓ પોતાની જગ્યા પર ઊભા છે. પોતાની જગ્યા પોતે જ ઊભી કરી શકે અને એક વિશિષ્ટ ચરિત્ર અભિનેતા બનવા ઉપરાંત એવી ફિલ્મોમાં ય કામ કર્યું. જેમાં અનુપમ જ ખાસ હતા. અનુપમ ખેરની કારકિર્દી એવી છે કે તેની પર ‘અનુપમ’ નામની ફિલ્મ બનાવી શકો. ‘કુછ હો સકતા હે’ નામનો તેમનો શો ખૂબ લોકપ્રિય રહ્યો છે પણ તે પહેલાં ‘સે ના સમથીંગ ટુ અનુપમ અંકલ’, ‘સવાલ દશ કરોડ કા’,

‘લીડ ઈન્ડિયા’ જેવા શો કરી ચુક્યા છે. ‘બેન્ડ ઈટ લાઈક બેકહામ’, ‘બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ’, ‘ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસીસ’, ‘લસ્ટ, કોશન’, ‘સ્પીડી સિંધસ’ સહિતની ફિલ્મોમાંય કામ કર્યું છે. પદ્મભુષણ અને પદ્મ વિભુષણ સન્માન પામનાર અનુપમે નિર્માતા તરીકે ‘મેંને ગાંધીકો  નહીં મારા’ ફિલ્મ પણ બનાવી છે ને ‘ઓમ જય જગદીશ’ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું. 1985માં તેઓ કિરણ ખેરને પરણેલા જે અગાઉ ગૌતમ બેદીને પરણેલા હતા. અને એ લગ્નથી સિકંદર ખેર નામનો દિકરોય છે જે હવે અનુપમના દિકરા તરીકે જ ઓળખાય છે. આના પરથી અનુપમનાં વ્યક્તિત્વને ઓળખી શકશો. કિરણ હવે સાંસદ છે અને અનુપમ સ્વયં ભાજપ તરફે ઝૂકેલા છે પણ હમણાં જરા જૂદા ટોનમાં ભાજપની સમીક્ષા ય કરે છે. અનુપમ પોતાને જે લાગે તે જાહેરમાં બોલે છે. કાશ્મીરી પંડિતો માટે પણ અવાજ બુલંદ કરે છે અને આ ઉપરાંત મા દુલારી સાથે તેઓ સતત જાતભાતની વાત-ગપશપ કરે તે ફેસબુક પર જોવા મળે છે.

પત્ની કિરણ સાથે નથી રહેતી પણ તેમાં કોઈ વિવાદનો મુદ્દો નથી. અનુપમને સમજવા માટે તેમના આ બધા વાણી-વર્તન-વ્યવહાર તપાસવા જોઈએ. બેઝીકલી, એક્ટર તરીકેની મોટી ઓળખ પછી પણ તે કોમનમેનથી દૂર નથી અને પોતાને ‘ખાસ’ બનાવ્યા વિના સક્રિય છે. તેની પોતાની અભિનય સ્કૂલ પણ છે. તે એક સતત સપના જોનારો સશક્ત અભિનેતા છે અને ભારતીય નાગરિક છે. મધ્યમ વર્ગીય મૂલ્યો હજુય અનુપમને અનુપમ બનાવે છે. એ કારણે જ તે ગમે ત્યારે લડે ય છે ને રડેય છે. કારણ કે તે અનુપમ ખેર છે.

Most Popular

To Top