ઝઘડિયા: ઝઘડિયાના રાજપારડી (Rajpardi) ગામે રહેતા આકાશ મુખ્ત્યાર શેખ છેલ્લાં બે વર્ષથી એક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર (Driver) તરીકે નોકરી (Job) કરે છે. ગતરોજ મોડી રાત્રે આકાશ ટ્રક લઈ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કદવાલી ગામ પાછળ થઈને કાચા રસ્તા (Road) ઉપરથી ચોકી ગામ તરફ જતો હતો. દરમિયાન કદવાલી અને ચોકી ગામ વચ્ચે બે અજાણ્યા ઇસમ બાઈક (Bike) ઉપર જતા હતા તેમણે ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. જેથી ટ્રકચાલક આકાશે તેની ટ્રક ઊભી રાખી હતી. બાઈકસવારોએ ટ્રકચાલકને કહ્યું હતું કે, તને અમારી બાઈક દેખાતી નથી કે અમને ઓવરટેક કરે છે ? તેમ કહી બંનેએ ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ખેંચી નીચે પાડી દીધો હતો અને ઢીકાપાટુનો માર મારી દંડાથી સપાટા માર્યા હતા. ઇજાગ્રસ્ત ટ્રકચાલક અંધારાનો લાભ લઈ ભાગવા લાગ્યો હતો, ત્યારે બંને બાઈકસવારોએ ધમકી આપી હતી કે, હવે પછી કોઈ બાઇકવાળાને ઓવરટેક કરી આગળ નીકળીશ તો જાનથી મારી નાંખીશું, તેમ કહીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ટ્રકચાલક આકાશ નજીકમાં આવેલી ક્વોરી પર ગયો હતો. જ્યાંથી તેના સગા-વહાલાને ફોન કરી બોલાવતાં ઘાયલ આકાશને અવિધા સરકારી દવાખાને લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ ઘટના બાબતે આકાશ મુખ્ત્યાર શેખે બે અજાણ્યા બાઇકસવારો વિરુદ્ધ રાજપારડી પોલીસમથકમાં ફરિયાદ લખાવી હતી.
વલસાડના નાની દાંતી ગામે તારખૂંટા કાઢવાં બાબતે મહિલાને પાડોશીએ માર મરાયો
વલસાડ: વલસાડ તાલુકાના નાનીદાંતી ગામે દાંડા સ્ટ્રીટ પાસે રહેતા મનિષાબેન મોહનભાઈ ટંડેલ (ઉવ. ૩૨) ઘરકામ કરે છે. મનિષાબેનના ઘરની ચારે બાજુ તારખુટા કરેલા છે. એ જમીન બાબતે પાડોશમાં રહેતા બાલુ ધીરુ ટંડેલ સાથે ઝઘડો ચાલે છે. ગતરોજ મનિષાબેન ઘરે હતા ત્યારે બાલુ ઘરે આવીને મનિષાબેન તારખુટા કાઢવા માટે જણાવ્યું હતું. ત્યારે મનિષાબેન જણાવ્યું હતું કે તારખુટા અમારી જમીનમાં છે. જેથી બાલુએ ઉશ્કેરાઇ જઇને મનીષા સાથે બોલાચાલી કરીને હાથમાં લાકડી લઈને મનીષાને માથાના ભાગે તથા શરીર ભાગે માર માર્યો હતો. બાલુ મનિષાબેન ઘરના કમ્પાઉન્ડના તારખુટા તથા પાણીની પાઇપલાઇન તોડીને ધમકી આપીને જતો રહ્યો હતો. જ્યારે મનીષાને ઈજા થતાં સારવાર અર્થે ખાનગી કાર મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગેની ફરિયાદ ડુંગરી પોલીસ મથકે નોંધાઇ છે.