Dakshin Gujarat

બસમાંથી ખેંચી નીચે ઉતારી બાઈક ચાલકે બસના ડ્રાઈવરને ફટકાર્યો, સરીગામની ઘટના

ઉમરગામ: ઉમરગામના સરીગામમાં બાઇક ચાલક અને તેના મિત્રોએ ભરબજારમાં બસ ચાલકેને ઢોર માર મારતા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બનાવના પડઘા મોડી રાત્રે પણ પડ્યા હતાં અને બે જૂથ સામસામે આવી ગયા હતાં. જો કે, ભીલાડ પોલીસ મધ્યસ્થતાં કરીને મામલો થાળે પાડ્યો હતો.

  • બસ અને બાઈક ચાલક વચ્ચે કોઈક મુદ્દે બબાલ થતા સરીગામ બજારમાં બસ ચાલકને નીચે ઉતારી ઢોર માર મારવામાં આવતા દોડધામ
  • રાત્રે બંને પક્ષોના ટોળાઓ સામ સામે આવી જતા વાતાવરણ તંગ : પોલીસ મામલો થાળે પાડ્યો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હુમલાની આ ઘટના અંગે ઉમરગામ તાલુકાના માંડા ગામ ખાતે રહેતા ધર્મેશ ડુમાડાએ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સરીગામની કંપનીમાંથી કામદારો અને કર્મચારીઓને સેલવાસથી લાવવા લઇ જવાનું કામ કરે છે. તેઓ ખાનગી ટ્રાવેલ્સની બસ ચલાવે છે જેથી રોજ સરીગામથી સેલવાસ અવરજવર કરે છે.

દરમિયાન ગઇકાલે તેઓ સરીગામની કંપનીમાંથી કર્મચારીઓને લઇને સેલવાસ મૂકવા માટે જઇ રહ્યાં હતાં ત્યારે, સરીગામ બજારમાં રહેતા આશિષ દિનેશભાઇ કહાર, ધવલ કહાર, નિલેશ કહાર અને એક અજાણ્યાએ તેમની બસ અટકાવી હતી અને બસની કેબિનમાંથી તેમને ઉતારીને લાતો મારી હતી, તમાચા અને મુક્કા માર્યા હતા એટલું જ નહીં પાઇપથી પણ માર માર્યો હતો.

જો કે, લોકોનું ટોળું એકત્ર થઇ જતાં તેમને છોડાવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં બસના ડ્રાઇવર ધર્મેશ દુમાડા રહે માંડા એ ફરિયાદ આપતા પોલીસે તહોમતદાર આશિષ દિનેશભાઈ કહાર, ધવલ કહાર અને નિલેશ કહાર અને એક અજાણ્યા તમામ (રહે સરીગામ) વિરુદ્ધ ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી છે. જેની ઉપર હુમલો થયો તે આદિવાસી હોવાથી પોલીસે એટ્રોસિટી પણ દાખલ કરી છે અને આદિવાસી સમાજમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ હુમલો કરવા પાછળનું ચોક્કસ કારણ તો બહાર આવ્યું નથી પરંતુ તેઓ હાલમાં જે બસ ચલાવે છે તે બસ છેલ્લા 10 વર્ષથી જે ચાલક ચલાવતો હતો તેની બાજુમાં હુમલાખોર મોબાઇલની દુકાન ધરાવે છે.

Most Popular

To Top