National

પટના રેલવે સ્ટેશન પાસે હોટલમાં આગ લાગવાથી 6 લોકોના મોત, અનેક દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા

બિહારની (Bihar) રાજધાની પટનામાં રેલ્વે સ્ટેશન (Patna Railway Station) પાસે આવેલી એક હોટલમાં ગુરુવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં છ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસે ત્રણ પુરૂષો અને ત્રણ મહિલાઓના મોતની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે જેમની પટનાની પીએમસીએચ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી ચારની હાલત ગંભીર છે. આગને કાબુમાં લેવામાં આવી છે. અઢી કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.

પટનાના ફ્રેઝર રોડ પર ગુરુવારે સવારે એક હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ફ્રેઝર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં અરાજકતા સર્જાઈ હતી. કોતવાલી પોલીસ સાથે ફાયર વિભાગની 20 ગાડીઓ સ્થળ પર ખડકાઈ ગઈ હતી. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તે બિલ્ડીંગમાં હોટલની સાથે દુકાનો પણ છે. આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બચાવકર્મીઓએ હોટલમાંથી 25 થી 30 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આગમાં ઘણા લોકો દાઝી ગયા છે. જેમની ઓળખ હજુ સુધી થઈ નથી. દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મહિલાઓની હાલત ગંભીર છે. પીએમસીએચના પ્રિન્સિપાલ ડો. વિદ્યાપતિ ચૌધરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 18 દર્દીઓ આવ્યા છે. જેમાંથી 6ના મોત થયા છે. 12 આઈસીયુમાં સારવાર હેઠળ છે.

ફાયર વિભાગના અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ભયાનક અકસ્માતમાં પાલ હોટેલ અને તેની બાજુમાં આવેલી હોટલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર ફાઈટરોએ હોટલની અંદર પ્રવેશી હાઈડ્રોલિક પ્લેટફોર્મ પરથી ઉપરના માળે પહોંચી લોકોને બચાવ્યા હતા. DIG ફાયર મૃત્યુંજય ચૌધરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 25 થી 30 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હોટલની નીચે પાર્ક કરેલા ડઝનબંધ વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.

Most Popular

To Top