Sports

સૌરવ ગાંગુલી અને જય શાહને મોટી રાહત, BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Saurav Ganguly) અને સેક્રેટરી જય શાહને (Jay Shah) દેશના સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. બંને આગામી ત્રણ વર્ષ સુધી BCCIમાં તેમના પદ પર ચાલુ રહી શકે છે. બુધવારે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના બંધારણમાં સંશોધન સાથે જોડાયેલી અરજીમાં આ નિર્ણય આપ્યો છે. એટલે કે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહના કાર્યકાળ પર કોઈ સંકટ નથી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે BCCIના એક કાર્યકાળ પછી કુલિંગ-ઓફ પીરિયડની જરૂર નથી, પરંતુ તે બે ટર્મ પછી કરવી પડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે સૌરવ ગાંગુલી અને જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી તેમના પદ પર રહી શકે છે.

ગાંગુલીનો કાર્યકાળ ક્યારે પૂરો થયો?
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019ના રોજ BCCI પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે જય શાહ 24 ઓક્ટોબર 2019ના રોજ BCCI સચિવ બન્યા હતા. આવી સ્થિતિમાં બંનેનો કાર્યકાળ આવતા મહિને એટલે કે ઓક્ટોબર 2022માં સમાપ્ત થઈ રહ્યો હતો. આ જ કારણ હતું કે બીસીસીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લગતી અરજી પર વહેલી સુનાવણી માટે અપીલ કરવામાં આવી હતી.

હવે બંનેને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, તેથી બંને 2025 સુધી પોતાના પદ પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય માત્ર બોર્ડના પ્રમુખ અને બોર્ડ સેક્રેટરી માટે જ નહીં પરંતુ BCCI અને સ્ટેટ એસોસિએશનના તમામ અધિકારીઓ/પદ માટે પણ છે. BCCI દ્વારા કોર્ટને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તેમના અધિકારીઓને સતત બે ટર્મ માટે ચાલુ રાખવા દે, જેમાંથી એક રાજ્ય એસોસિએશન સાથે સંકળાયેલ હોઈ શકે. સુપ્રીમ કોર્ટે આ અપીલ સ્વીકારી લીધી છે. હવે જો કોઈ અધિકારી BCCIમાં એક જ પદ પર સતત બે ટર્મ પૂર્ણ કરે છે તો તેણે 3 વર્ષનો કુલિંગ પિરિયડ રાખવો પડશે. જ્યારે રાજ્ય એસોસિએશનમાં, આ સમયગાળો બે વર્ષનો રહેશે.

શું છે આ બીસીસીઆઈમાં વિવાદ?
વર્ષ 2018માં અમલમાં આવેલા BCCIના બંધારણમાં એવો નિયમ હતો કે રાજ્ય અથવા BCCI સ્તરે બે ટર્મ પૂર્ણ કરનાર કોઈપણ અધિકારીએ ત્રણ વર્ષનો કુલિંગ-ઓફ પિરિયડ પૂરો કરવો પડશે. આવી સ્થિતિમાં, 6 વર્ષ પૂર્ણ થવા પર, તે વ્યક્તિ પોતે ચૂંટણીની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે. બીસીસીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે આ નિયમને બદલવાની મંજૂરી આપવામાં આવે.

બીસીસીઆઈએ તેની અરજીમાં કહ્યું હતું કે કૂલિંગ ઓફ પીરિયડ જેવી બાબતોને રદ્દ કરવી જોઈએ, સેક્રેટરી પાસે વધુ સત્તા હોવી જોઈએ અને જો બોર્ડ બંધારણમાં ફેરફાર કરવા ઈચ્છે છે તો તેને કોર્ટમાં આવવું જોઈએ નહીં. બુધવારે સુનાવણી દરમિયાન, કોર્ટે આ મામલામાં કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ અમારું માનવું છે કે રાજ્ય એસોસિએશનમાં એક ટર્મ (3 વર્ષ) પછી BCCIમાં એક ટર્મ માટે કોઈ કૂલિંગ-ઓફ પીરિયડની જરૂર નથી. પરંતુ રાજ્ય એસોસિએશન અથવા બીસીસીઆઈમાં બે ટર્મ પછી કુલિંગ ઓફ રાખવું પડશે. રાજ્યમાં કે બીસીસીઆઈમાં સતત 3 વર્ષની બે ટર્મ ગાળનાર વ્યક્તિને કોઈ સમસ્યા નથી.

Most Popular

To Top