Business

સેન્સેક્સ 225 પોઈન્ટ તૂટ્યો, ઈન્ફોસીસ, ટીસીએસ સહિતના આઈટી શેરો ડૂબી ગયા

મુંબઈ: અમેરિકા(America) સહિતના વિશ્વભરના શેરબજારોના પ્રચંડ કડાકાને પગલે ભારતીય શેરબજાર(India Stock Market) પણ આજે હચમચી ગયું હતું. અમેરિકામાં ફુગાવા તથા ઔદ્યોગીક ઉત્પાદનના આંકડા ધારણા કરતા ખરાબ આવતા વોલસ્ટ્રીટમાં મંદીની સુનામી સર્જાઇ હતી. ડાઉજોન્સ, નાસ્ડેક તથા એસએન્ડપી ચારથી પાંચ ટકા ગગડ્યા હતા. તેના પ્રત્યાઘાત હેઠળ આજે જાપાન, હોંગકોંગ, સિંગાપુર સહિતનાં એશિયન માર્કેટો પણ ધસી પડ્યા હતા. ભારતીય શેરબજારમાં પણ ઇફેક્ટ આવી હોય તેમ શરુઆત જ ગેપડાઉન રહી હતી અને વેચવાલીનું આક્રમક દબાણ આવ્યું હતું. જો કે પ્રારંભિક કડાકા બાદ આંશિક રિકવરી આવી હતી. છતાં સેન્ટીમેન્ટ ખરડાયેલુ હોવાથી માર્કેટ દબાણ હેઠળ જ રહ્યું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિશ્વબજારોના પ્રત્યાઘાત પડી રહ્યા છે. આવતા દિવસોમાં રિઝર્વ બેન્કની ધીરાણ નીતિ જેવા કારણોની અસર વર્તાવાની શક્યતા છે.

પ્રી-ઓપન સેશનમાં ઘટાડો
પ્રી-ઓપન સેશનમાં જ આજે સ્થાનિક બજાર સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હતું. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ(Sensex) લગભગ 1,300 પોઈન્ટ ઘટીને 59,270 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટી(Nifty) લગભગ 300 પોઈન્ટના ઘટાડા સાથે 17,770 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, સિંગાપોરમાં SGX નિફ્ટીનો ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ સવારે નવ વાગ્યે 279.5 પોઈન્ટ ઘટીને 17,812.5 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સૂચવે છે કે સ્થાનિક બજારો આજે ભારે નુકસાનમાં રહી શકે છે, જે કારોબાર ખુલતાની સાથે જ દેખાઈ આવે છે. સવારે 09:40 વાગ્યે સેન્સેક્સ લગભગ 750 પોઈન્ટના ઘટાડા સાથે 59,840 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 17,870 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

આઇટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી
કારોબાર દરમિયાન આજે બજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. આઇટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ શેરોએ બજારને કબજે કર્યું હતું. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે, સેન્સેક્સ લીલા નિશાન પર પાછો ફર્યો હતો, પરંતુ તે તેને સંભાળી શક્યો ન હતો. ટ્રેડિંગ બંધ થયા બાદ સેન્સેક્સ 224.11 પોઈન્ટ (0.37 ટકા) ઘટીને 60,346.97 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 66.30 પોઈન્ટ (0.37 ટકા)ના ઘટાડા સાથે 18,003.75 પર બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ કંપનીઓના 15 શેર ખોટમાં રહ્યા હતા, જ્યારે બાકીના 15 શેરો લાભમાં રહ્યા હતા. સૌથી મોટો 4.53 ટકાનો ઘટાડો ઈન્ફોસિસમાં આવ્યો હતો.ટીસીએસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક 2.44 ટકાથી ઘટીને 3.36 ટકા થયા હતા.બીજી તરફ ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 4.48 ટકાનો વધારો થયો હતો. પાવરગ્રીડ, NTPC, SBI પણ 2-2 ટકાથી વધુ વધ્યા હતા.

વિશ્વનાં બજારોમાં પણ ખળભળાટ
અમેરિકામાં ફુગાવા તથા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા ધારણાં કરતા ખરાબ આવતા વોલસ્ટ્રીટમાં મંદીની સુનામી આવી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 1,276.37 પોઈન્ટ અથવા 3.94 ટકા ઘટીને 31,104.97 પર બંધ થયો હતો. ટેક-ફોકસ્ડ ઇન્ડેક્સ નાસ્ડેક કમ્પોઝિટની સ્થિતિ વધુ ખરાબ હતી. ઈન્ડેક્સ 632.84 પોઈન્ટ અથવા 5.16 ટકા ઘટીને 11,633.57 થયો હતો. S&P 500 (S&P 500) ઇન્ડેક્સ 177.72 પોઈન્ટ અથવા 4.32 ટકા ઘટીને 3,932.69 પોઈન્ટ પર બંધ થયો હતો. આ પછી બુધવારે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ 2-2 ટકાથી વધુ નીચે છે.

Most Popular

To Top