આણંદ : આણંદ શહેરમાં ભાદરવો ભરપૂર રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદના કારણે પાલિકા વિસ્તારના તમામ રસ્તાની હાલત ખખડધજ બની ગઈ છે. કેટલાક રસ્તાની હાલત એટલી ખરાબ છે કે, તેના પરથી પસાર થતાં વાહન ચાલકોના કમ્મરના મણકાં ખસી જાય છે. રાજ્ય સરકાર દ્વારા ખાડા અંગે હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યાં બાદ પણ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું ન હોય તેમ દેખાઇ રહ્યું છે. ખાસ કરીને સો ફુટના રોડ પર સ્થિતિ વધુ ભયંકર બની છે.
આણંદ શહેરના પ્રવેશવાના મુખ્ય માર્ગ એવા સામરખા ચોકડીથી જ ખાડાની ભરમાર શરૂ થઈ જાય છે. જો કોઇ વાહન ચાલક ભુલેચુકે સો ફુટના રોડ પર ચડી જાય તો તેના વાહનના પુરજે પુરજા છુટા પડી જાય તેવો ભયજનક રોડ બની ગયો છે. આણંદ પાલિકાના શાસકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે કેટલી મિલીભગત છે તે રસ્તાની હાલત પરથી જોઇ શકાય છે. નવી બોડીની પ્રથમ બેઠકમાં જ અનેક કોન્ટ્રાક્ટરને નક્કી થયેલા ટેન્ડર કરતાં વધુ નાણા ચુકવવામાં આવ્યાં હોવાનું જગજાહેર છે.
આમ છતાં ગુણવત્તાયુક્ત કામ થયા નથી. આ બાબતે ભાજપના કોઇ આગેવાનો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આણંદ પાલિકાના એન્જિનીયરની બેદરકારી ખુલી પડી રહી છે. શહેરમાંથી દાંડી માર્ગ પસાર થાય છે. આ માર્ગ પર ખાસ કોઇ ખાડા જોવા મળતાં નથી. પરંતુ તેને અડીને આવેલા પાલિકા હસ્તકના તમામ રસ્તા ધોવાઇ ગયાં છે. જે દર્શાવે છે કે રસ્તાના ધોવાણ પાછળ વરસાદ એક માત્ર બહાનું છે, જ્યારે રસ્તા રીપેરીંગ અને નિર્માણમાં ખીસ્સા ભરવાનું જ કામ થઇ રહ્યું છે. વિકાસ શહેરનો નહીં, પરંતુ શાસકોનો હોય તેવી ચર્ચા ઉઘાડે છોગ થઇ રહી છે.