ગુજરાતભરમાં (Gujarat) કોરોનાના વધતા જતા કેસના પગલે વાલીઓ મૂંજવણમાં મુકાયા હતા. અને ઓનલાઇન શિક્ષણને ફરી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન (online class) કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા (Exam) પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.
સાથે જ આગામી દિવસોમાં વિગતવાર નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આમ, રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ (offline education) બંધ કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ મહાનગરોમાં સ્કૂલો બંધ : પરીક્ષા પણ મોકૂફ
9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પહેલા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી. જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી.