National

રાહુલ ગાંધીને મોટો ઝટકો: ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી બે વર્ષની સજા પર સ્ટે આપવા ઈન્કાર કર્યો

અમદાવાદ: રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલી વધી છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat HighCourt) આજે મોદી સરનેમ માનહાનિ કેસમાં (Modi surname defamation case) રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે બે વર્ષની સજા પર સ્ટે આપવાનો ઈનકાર કરતા નીચલી કોર્ટના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો છે. આ સાથે જ રાહુલ ગાંધીનું સાંસદ પદ પરત મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

વર્ષ 2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે કર્ણાટકમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી અટક પર વાંધાજનક ટીપ્પણી કરી હતી. આ નિવેદનને મામલે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાર વર્ષ ચાલ્યો હતો. દરમિયાન ગઈ તા. 23મી માર્ચ 2023ના રોજ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારતો હૂકમ કર્યો હતો.

નીચલી કોર્ટના ચૂકાદાને રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા અરજી કરી હતી. અગાઉ ઉનાળું વેકેશનના લીધે હાઈકોર્ટે સુનાવણી મુલ્તવી રાખી હતી, જે આજે બેન્ચ પર આવી હતી. હાઈકોર્ટના ન્યાયાધિશ જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચ દ્વારા રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાઈ હતી.

હાઈકોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે, સંપુર્ણપણે અસ્તિત્વહીન આધારો પર અરજીકર્તા (રાહુલ ગાંધી) રાહતની અપેક્ષા રાખી રહ્યાં છે. એવો સ્થાયી સિદ્ધાંત છે કે દોષિત ઠેરવ્યા હોય તેવા નીચલી કોર્ટના આદેશ પર સ્ટે લેવો એ નિયમ નથી. ક્યારેક અપવાદરૂપ કિસ્સામાં તેનો આશરો લેવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે, માત્ર સાંસદ, ધારાસભ્યો સુધી લાયકાત સિમીત નથી. અરજીકર્તા વિરુદ્ધ લગભગ 10 જેટલાં ફોજદારી ગુના પેન્ડીંગ છે.

હાઈકોર્ટના રૂમ બહાર કોંગ્રેસનું પ્રદર્શન
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. કોર્ટ રૂમની બહાર જ કોંગ્રેસી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો હતો. ગુજરાત કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ બેનરો દર્શાવી પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું કે, લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા લોકોને દુ:ખ થાય તેવો ચૂકાદો આજે આવ્યો છે. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ચલાવી લેવાશે નહીં. છેક સુધી અમે લડાઈ લડીશું.

ફરિયાદી પૂર્ણેશ મોદીએ કહ્યું રાજકીય રંગ ન આપો
કોંગ્રેસીઓના કોર્ટ રૂમની બહાર વિરોધ બાદ ફરિયાદી પૂર્ણેશ મોદીએ પત્રકારોને કહ્યું હતું કે, કોર્ટના ચુકાદા પર ભરોસો રાખવો જોઈએ. આ સામાજિક લડાઈ છે. સમાજનું અપમાન સહન નહીં કરી લેવાય. આ લડાઈને રાજકીય રંગ આપવો જોઈએ નહીં.

Most Popular

To Top