SURAT

લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત

ગાંધીનગર-સુરત: લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે ગુજરાત સરકારે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવા માટે કુલ રૂ.7 કરોડની જોગવાઇ આગામી વર્ષના અંદાજપત્રમાં કરી છે. નાણામંત્રીની જાહેરાતના પગલે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર ફરી વળી છે. સરકારના પ્રોત્સાહના લીધે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી પૂરપાટ ઝડપે વિકાસ કરી શકશે તેવો વિશ્વાસ ઉદ્યોગકારોમાં જાગ્યો છે.

સુરતના જાણિતા હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ બેલ્જિયમ ખાતેથી ટેલિફોનિક વાતચીતરમાં જણાવ્યું હતું કે રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ આજે રજૂ કરેલા ગુજરાત સરકારના અંદાજ પત્રમાં સુરતમાં વિકાસ પામેલા લેબગ્રોન સિન્થેટીક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.

આ જાહેરાતની સાથે તેમણે આગામી વર્ષ માટે કુલ રૂ.7 કરોડની રકમની જોગવાઇ કરી છે. ગુજરાત સરકારની આ પહેલને હું આવકારું છું અને તેના કારણે સુરત સહિત ગુજરાતમાં વિકાસ પામી રહેલા કુત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ, સિન્થેટીક ડાયમંડના ઉત્પાદન અને નિકાસને જબરદસ્ત વેગ મળશે એ નિશ્ચિત છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં સૌથી વધુ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન સુરત શહેરમાં થઇ રહ્યું છે.

Most Popular

To Top