રાજયમાં છેલ્લા 48 કલાકથી સતત થઈ રહેલા ભારે વરસાદના પગલે જામનગર , જુનાગઢ અને રાજકોટમાં ભારે તારાજી થવા પામી હતી. ખાસ કરીને સતત ત્રીજા દિવસે જુનાગઢમાં ભારે વરસાદ થયો હતો. જેમાં માંગરોળમાં 6 ઈંચ વરસાદ થવા પામ્યો છે. બીીજ તરફ આજે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણકરીને બચાવ રાહત ઓપરેશન તેજ બનાવવા આદેશ કર્યા હતા. જેના માટે ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં 15 ટીમો ફરજ પર તૈનાત કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે રાજયમાં 2૦૧ વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, ૧૮ સ્ટેટ હાઈવે, ૨૦ અન્ય માર્ગો, ૧૬૨ પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના ૫૫ રૂટ બંધ કરાયા છે અને ૧૨૧ ટ્રીપો રદ કરાઈ છે.આજે ગાંધીનગરમાં જુના સચિવાલયમાં વીજળી પડવાથી એક વ્યકિત્તનુ મૃત્યુ થયુ હતું. જયારે અન્ય ત્રણને ઈજા થવા પામી હતી.
રાજયમાં આજે સાંજ સુધીમાં માંગરોળમાં 6 ઈંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે કેશોદમાં 5 ઈંચ, જુનાગઢ સીટીમાં 4 ઈંચ , જુનાગઢ તાલુકામાં 4 ઈંચ , માળિયામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ , જામજોધપુરમાં 3 ઈંચ , છોટા ઉદેપુરમાં 3 ઈંચ , સુરત મહુવામાં અઢી ઈંચ , કુતીયાણામાં અઢી ઈંચ , રાજુલામા સવા બે ઈંચ , જામ કંડોરણામાં સવા બે ઈંચ , બારડોલીમાં સવા બે ઈંચ અને તાલાલામા બે ઈંચ વરસાદ થવા પામ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત જામનગરની મુલાકાતે દોડી ગયા
સરકાર હકારાત્મક અભિગમ દાખવીને અસરગ્રસ્તોને સહાય કરશે તેવી મુખ્યમંત્રીની ખાતરી
આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્ર ને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાનું હવાઈ નિરીત્રણ કર્યુ હતું. સીએમ પટેલ આજે બપોરે ગાંધીનગર થી બપોરે 1 કલાકે પૂર્વ મંત્રી આર.સી ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્યસચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓ ની જાત માહિતી મેળવવા રવાના થયા હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી. તેમણે આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું હતું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
મુખ્યમંત્રી પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા આપી હતી. તેમણે જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે.
સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરી ની વિગતો આપતા મુખ્યમંત્રી કહ્યું હતું કે જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે. તેમણે જણાવ્યું હતું કે નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે.હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.
144 લોકોને એરફોર્સ દ્વ્રારા રેસ્કયૂ કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
જામનગર જિલ્લામાં થઈ રહેલી બચાવ – રાહત કામગીરીની વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.144 લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે.46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે.સૌરાષ્ટ્રમાં મોસમનો 80% વરસાદ પડી ચુક્યો છે.જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે.મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે