કહેવાય છે કે પોલીસ સ્ટેશન અને કોર્ટના દાદરા ક્યારેય ચઢવા જોઈએ નહીં. પરંતુ મજબૂરીવશ જો આ બંને ઠેકાણે જવાનું થાય ત્યારે થતાં કડવા અનુભવો પ્રજાનો કાયદા પરથી વિશ્વાસ ડગમગાવી જાય છે. ભરૂચમાં આવી જ એક ઘટના બની છે. અહીં એક વિધવા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે ફરજ પર હાજર પોલીસ ઈન્સ્પેક્ટર ગાળો ભાંડીને કેબિનની બહાર કાઢી મુકી હતી. હવે આ કેસમાં કોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટરને જ કઠેરામાં હાજર થવા હૂકમ કર્યો છે.
ભરૂચ જિલ્લાના કેટલાયે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નહી કરાતી હોવાના અનેક બનાવો સામે આવ્યા છે, પોલીસ પણ રાજકીય દબાણમાં ફરજ નિભાવતી હોવાના આક્ષેપો થયા છે. માર્ચ માસમાં એક વિધવાની ફરિયાદ લેવાના બદલે પીઆઇએ અભદ્ર ગાળોનો રૂઆબ બતાવી વિધવાને પોતાની કેબિનમાંથી કાઢી મુકવાનો કિસ્સો બન્યો હતો.પીઆઇના આ સમગ્ર વર્તનના વીડિયો સાથે કોર્ટમાં વિધવાએ ફરિયાદ કરતા કોર્ટે પીઆઇ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ભરૃચના ઝાડેશ્વર પંચાયતની હદમાં રહેતી વિધવાને તેના નણદોઇ વિજય જશુભાઇ પટેલે કાર નીચે કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. તા.૯ માર્ચના રોજ વિધવા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પીઆઇને મળવા ગઇ ત્યારે પીઆઇની સાથે કેબિનમાં વિધવાનો નણદોઇ તેમજ તેના મિત્રો હાજર હતાં. વિધવાએ ફરિયાદ આપતા પીઆઇ દીપક ઉનડકટ ઉશ્કેરાઇ ગયા હતા અને વિધવાને અપશબ્દો બોલી હાથ પકડી કેબિનમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશનમાંથી તગેડી મૂકી હતી.
પીઆઇના બેહુદા વર્તનનો વીડિયો કેટલાંક લોકોએ ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે ડીવાયએસપીને પીઆઇ સામે કાર્યવાહી કરવા તા.૧૮ જૂનના રોજ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.આખરે વિધવાએ ભરૂચની કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. વિધવાએ વીડિયોના આધારે પીઆઇ સામે કાર્યવાહી કરવા દાદ માંગતા પાંચમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ નિરાલી મુનશી સમક્ષ ફરિયાદ થતા ન્યાયાધીશે સમગ્ર ફરિયાદ ક્રિમિનલ કેસ તરીકે રજિસ્ટર કરવા હુકમ કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસબેડામાં ભારે સળવળાટ મચી ગયો છે.