સુરત : કાઠા વિસ્તારમાં ભીમપોર (Bhimpor) અને ડુમસ (Dumas) ગામમાં ડુક્કરની (Pig) સંખ્યા વધી રહી છે. અહી ભૂંડ માણસોને બચકા ભરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક 6 વર્ષના બાળકને પણ ડુક્કરોએ બચકાં (Bait) ભર્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મનપા અને કોર્પોરેટરોને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તેવા આક્ષેપ પણ થયા છે. સુરતના કાઠા વિસ્તારમાં ભીમપોર અને ડુમસ ગામમાં ડુક્કરનો આતંક સામે આવ્યો છે. જેને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડુક્કરોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ તેઓને ખોરાક નહીં મળતા લોકોને બચકાં ભરી રહ્યા છે.
દશેરાના દિવસે 6 વર્ષીય બાળકને ભૂંડ કરડી ગયું
છેલ્લા 10 દિવસમાં જ 5થી 6 લોકોને તેમજ એક 6 વર્ષના બાળકને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા રહીશો દ્વારા મનપા અને સ્થાનિક નગરસેવકો સહીત ઉચ્ચ લેવલે ફરિયાદો કરી છે. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સ્થાનિકોનું કહેવું છે કે આગામી સમયમાં દિવાળી વેકેશન અને તહેવારો આવી રહ્યા છે. બાળકો બહાર રમતા હોય છે ત્યારે આ પ્રકારની વધુ ઘટનાઓ બનવાની શક્યતા રહેલી છે.
ડુક્કરોને અહીંથી ખસેડી જંગલ વિસ્તારમાં છોડવાની માગ
વારંવાર તંત્રને રજૂઆત કરવામાં કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ જાતના ચોક્કસ પગલાં લેવાયા નથી. દશેરાના દિવસે 6 વર્ષીય બાળક તથ્યને ખૂબ જ ખરાબ રીતે હાથ પગ અને પેટના ભાગે ભૂંડ કરડી ગયું હતું. જેને પગલે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની તેમજ ડુક્કરોને અહીંથી ખસેડી જંગલ વિસ્તારમાં છોડવાની માગ કરવામાં આવી છે.