ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતમાં (Road accident) મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી.
- ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 3નાં મોત, 2 ઘાયલ
- અંકલેશ્વરમાં હાઇવે ક્રોસ કરતા ફેરિયાને અજાણ્યા વાહને ફંગોળ્યો
- આમોદના સરભાણના દંપતીને ખરોડ પાસે લક્ઝરીએ અડફેટે લેતાં પત્નીનું મોત
- ઝઘડિયામાં બાઇક પર ઠંડું પીવા નીકળેલા બે યુવાન પૈકી અકસ્માતમાં એકનું મૃત્યુ
મૂળ મહારાષ્ટ્રના અને હાલ કીમ દરગાહ પાસેની રોયલ સોસાયટીમાં રહેતા રહેમુદ્દીન હુસ્નોદ્દીન શેખના કાકા સસરા અબ્દુલ ખાલિક લતીફ લુંગી વેચાણ કરવા નીકળ્યા હતા. જેઓ સાંજે અંકલેશ્વર ને.હા. ઉપર આવેલ અંસાર માર્કેટ પાણીની ટાંકીની સામે માર્ગ ઓળંગી રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા કારચાલકે ફેરિયાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતાં અબ્દુલ ખાલિક લતીફને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે આમોદના સરભાણ ગામના સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અમિત અરવિંદ વસાવા પોતાની પત્ની અમીષાબેન વસાવા સાથે બાઈક પર તેની સાસરી માંગરોળના મહુવેજ ખાતે જવા નીકળ્યાં હતાં. દરમિયાન ગત તા.૧૩ એપ્રિલના રોજ રાતે સાડા આઠ વાગ્યે અંકલેશ્વર ને.હા. ઉપર ખરોડ ગામ પાસે પાછળથી ધસી આવેલી લક્ઝરી બસના ચાલકે બાઈકસવાર દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમીષાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેણીને પ્રથમ અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં રાતે ૧ કલાકે તેણીનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
મૂળ ભાવનગર અને હાલ ઝઘડિયાના કપલસાડી ગામની સીમમાં રહેતા દિનેશ માથુર કોળી પટેલના ભાઈ ઉદય બારૈયા અને અશ્વિન છગન બામણીયા બાઈક નં.(જી.જે.૦૬.એ.એમ.૯૮૨૮) લઇ ગામમાં ઠંડું પીવા જતા હતા. એ વેળા કપલસાડી રેલવે ફાટક તરફના રસ્તા ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે બાઈકસવારોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉદય બારૈયાનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને ઈજા પહોંચી હતી.