ભરૂચ: (Bharuch) ભરૂચમાં બુધવારે વેક્સિનેશનના (Vaccination) ત્રીજા દિવસે રસીકરણ દરમિયાન ભરૂચના મનુબર ગામની સાર્વજનિક સ્કૂલમાં (School) રસી મૂક્યા બાદ ત્રણ વિદ્યાર્થિનીઓએ (Student) ચક્કર અને ગભરામણની ફરિયાદ કરતાં શાળામાં અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તેમજ અન્ય બાળકો કે જેઓ કોરોનાની વેક્સિન મુકાવવા તૈયાર હતા, તેઓમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. શાળા સંચાલકમંડળમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. 3 છાત્રાની તબિયત લથડતાં તેમને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
- વેક્સિનની કોઈ આડઅસર નથી, ગભરાટ, ભૂખ્યા પેટ કે હોર્મોન્સમાં બદલાવથી અસર થઈ હોવાની શક્યતા
- દીકરીઓની તબિયત બગડતાં માતા-પિતા અને પરિજનો ચિંતિત
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, વેક્સિનની કોઈ આડઅસર જોવા મળી નથી. દીકરીઓ વેક્સિનના ભય, હાર્મોન્સમાં બદલાવ કે ભૂખ્યા પેટે રસી લેવાના લીધે આમ બન્યું હોવું જોઈએ. જિલ્લામાં અત્યાર સુધી 15થી 17 વર્ષના 32879 છાત્રોનું વેક્સિનેશન થઈ ગયું છે. પરંતુ કોઈનામાં પણ આડઅસર જોવા મળી નથી. 3 છાત્રોની તબિયત બગડવાના કિસ્સામાં તેઓએ રાતે વાસી ખોરાક આરોગ્ય હોય કે સવારે ભોજન કે નાસ્તો ન લીધો હોય તો ભૂખ્યા પેટે રસી લીધા બાદ આમ થઈ શકે છે. ખાસ કરીને દીકરીઓમાં હાર્મોન્સને લઈને પણ આમ બની શકે. જેને વેક્સિન કે ઇન્જેક્શન ફોબિયા હોય તેના કારણે પણ આમ બની શક્યું હોય. જો કે, દીકરીઓની તબિયત બગડતાં માતા-પિતા અને પરિજનો ચિંતિત થયા હતા.