ભરૂચ: (Bharuch) ભરૂચમાં નર્મદાના ઘોડાપૂરે એક દસક બાદ દેશની લાઈફલાઈન સમી દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન (Train) રૂટને ૧૨ કલાક માટે બંધ કરવાની નોબત આવી હતી. રવિવારે રાત્રે ૧૨ કલાકે ભરૂચના ૭૮ વર્ષ જૂના સિલ્વર રેલવે બ્રિજના (Silver Railway Bridge) ટ્રેક પર રેલના પાણી ફરી વળતાં સલામતી અને જાનમાલની સંભવિત હાનિ ખાળવા રેલવેને રેડ સિગ્નલ આપવાનો નિર્ણય કર્યો હતો.
- ભરૂચમાં રેલવેને અસર: ૮૩ ટ્રેન પ્રભાવિત થતાં ૧.૨૪ લાખ મુસાફર અટવાયા
- ભરૂચના સિલ્વર બ્રિજના ટ્રેક પર ૧૦ વર્ષ બાદ પૂરના પાણી આવ્યા
- દિલ્હી-મુંબઈ અપલાઈન સવારે ૧૧.૩૦ કલાકે અને ડાઉન લાઈન બપોરે ૧૨.૨૮ કલાકે સલામત ગતિએ શરૂ કરાઈ
વેસ્ટન રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર અને ભરૂચ સહિતના રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવાયા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચેથી ટ્રેન વ્યવહાર બંધ થતાં હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે ભરૂચ સિલ્વર બ્રિજના દિલ્હી-મુંબઈ અપ ટ્રેક પરથી, જ્યારે બપોરે ૧૨.૨૮ કલાકે મુંબઈ-દિલ્હી ડાઉન ટ્રેક પરથી પૂરના પાણી ઓસર્યા હતા. રેલવે તંત્રે સલામતી માટે પહેલા લાઈટ એન્જિન દોડાવી ટેસ્ટિંગ કર્યું હતું. જેમાં બાદ ૧૨ કલાકથી ઠપ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. જો કે, સિલ્વર બ્રિજ પરથી સુરક્ષા સલામતીને ધ્યાને રાખી ધીમી ગતિએ ટ્રેનો પસાર કરવામાં આવી રહી છે.
રેલવેએ ટ્રેનોમાં અટવાઈ ગયેલા મુસાફરો માટે દરેક સ્ટેશને પૂરતા પ્રમાણમાં પાણી અને નાસ્તા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ રાખી હતી. સાથે જ ૩૦થી વધુ બસ પણ મુસાફરો માટે મૂકવામાં આવી હતી. ૧૨ કલાકમાં ૮૩ ટ્રેન પ્રભાવિત થતા ૧.૨૪ લાખ મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અસરગ્રસ્ત થયેલી ટ્રેનો ફરીથી પૂર્વવત
અંકલેશ્વર: પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા તા.17 સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવતા બ્રિજ નં.502ના પાણીનું સ્તર ગંભીર લેવલે પહોંચતાં ત્યાંની અવરજવર કરતી દરેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. જેને પગલે લગભગ 17 જેટલી ટ્રેન અસરગ્રસ્ત થઈ હતી. ફસાયેલા દરેક મુસાફરો માટે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ભોજન તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને તેઓના સ્થળે પહોંચી શકે એ માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે તા.18 સપ્ટેમ્બરના રોજ પાણીનું લેવલ ઘટતાં ટ્રેનો ફરીથી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી તેમજ મુસાફરોને હેલ્પલાઇન નંબર, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકોરે જણાવ્યું હતું.