ભરૂચ: (Bharuch) ભરૂચના ટંકારીયા ગામે લાર્યા પરિવાર પોતાનું મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં (Marriage Function) જતા તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું. તસ્કરો સોનાનાં દાગીના અને રોકડા રૂપિયા મળી અંદાજે રૂ. ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ ઉઠાવી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. ગામમાં ચોરીની ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ પેદા થઈ રહ્યા છે.
- ટંકારીયામાં પરિવાર લગ્નમાં ગયો અને બંધ મકાનમાં તસ્કરોએ ધાપ મારી, 50 લાખની ચોરી
- અગાસી પરથી ઘરમાં પ્રવેશેલા તસ્કરો અંદાજે ૬૦ તોલા સોનુ અને 4 લાખ રોકડાની ચોરી કરી ગયા
- પોલીસે સીસીટીવી ચેક કરી ડોગ સ્કવોડ એને એફએસએલની મદદથી તસ્કરોનું પગેરૂં શોધવા ક્વાયત હાથ ધરી
ભરૂચના ટંકારીયા ગામના પાદરિયા રોડ પર રહેતા ઈરફાન ઇનાયત લાર્યા તેઓના પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરીને આછોદ ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. એ વેળા સમયનો લાભ લઈ તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી તેમના ધાબા પરથી મકાનમાં પ્રવેશી પાછળના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તેમના ઘરમાં રહેલી તિજોરી અને કબાટો ખોલી તેમાં રહેલું અંદાજીત ૬૦ તોલા સોનું અને ૪ લાખ ઉપરાંતની રોકડ મળી અંદાજે રૂ.૫૦ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
જ્યારે પરિવારના સદસ્યો ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેમણે પાલેજ પોલીસ મથકમાં જાણ કરતા જ DYSP સી.કે. પટેલ અને પીઆઈ સહિતના LCBના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવી ફુટેજ તપાસ સહિત ડોગ સ્કોડ અને FSL ની પણ મદદ મેળવી તસકરોનું પગેરું મેળવવાની કવાયત આરંભી દીધી છે. સમગ્ર ઘટનામાં મોટા પાયે ચોરી થતાં પોલીસ વિભાગ અને આખા પંથકમાં સૌ સ્તબ્ધ થઈ ગયા છે.