ભરૂચ: (Bharuch) જંબુસરથી ભરૂચ જવા નીકળેલી એસ.ટી. બસ (S T Bus) આમોદ પાસે હોટેલ ડિસેન્ટ નજીક ટ્રક સાથે ધડાકાભેર ભટકાતાં (Accident) બસમાં બેઠેલા મુસાફરો પૈકી નવ જણાને નાની-મોટી ઈજા થઈ હતી. જ્યારે ટ્રકચાલકને ફેક્ચર થઈ ગયું હતું. જેને પ્રાથમિક સારવાર જંબુસરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો.
- જંબુસર ડેપોમાંથી મુસાફરો ભરીને નીકળેલી બસને અકસ્માત: 9થી વધુ મુસાફર ઘાયલ
- ટ્રકચાલકે રોંગ સાઈડમાં ધસી આવી બસને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો
- બસમાં 48 મુસાફર સવાર હતા, ટ્રક ડ્રાઈવરને પગ તથા થાપાના ભાગે ફેક્ચર
- અકસ્માત થતાં જ ટ્રકનાં પૈડાં નીકળી ગયાં, સુરતના ત્રણ ઘાયલ
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જંબુસર એસ.ટી. ડેપોમાંથી ટંકારી બંદર ગામના એસ.ટી.બસના ડ્રાઈવર ઉદેસંગ ભગાભાઈ પરમાર બસ લઈને જંબુસરથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા. તેમજ એસ.ટી. બસમાં ૪૮ મુસાફર મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આમોદ નજીક ડિસેન્ટ હોટેલ પાસે સામેથી આવતા ટ્રકચાલકે ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવતાં એસ.ટી.બસ સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતમાં ટ્રકના પૈડાં પણ બહાર નીકળી ગયાં હતાં. તેમજ ટ્રકચાલકને મહા મુસીબતે રાહદારીઓએ ટ્રકમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો.
જ્યારે એસ.ટી.બસને પણ નુકસાન થયું હતું. બસમાં બેઠેલા મુસાફરો પૈકી નવ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે ટ્રકચાલકને ૧૦૮ મારફતે જંબુસર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવારમાં તેને પગ તથા થાપાના ભાગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો. જ્યારે એસ.ટી. બસના ઈજાગ્રસ્ત મુસાફરોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.
- ઈજાગ્રસ્ત મુસાફરોની યાદી
- 1.અશ્વિન.પી.વસાવા (રહે.,આછોદ)
- 2.મહેજબીન ઈકબાલ નાથા (રહે.,મછાસરા)
- 3.શબીના મુસ્તાક (રહે.,મછાસરા)
- 4.ક્રિષ્ણા લીંબાચીયા (રહે.,આમોદ)
- 5.શરીફા કેસરીસિંહ રાજ (રહે.,આમોદ)
- 6.મુબારક પઠાણ (રહે.,જંબુસર)
- 7.ઝુબેદા હનીફ (રહે.,સુરત)
- 8.યાસ્મીન મન્સૂરી (રહે.,સુરત)
- 9.મહંમદ તૌસિફ હનીફ (રહે.,સુરત)