ભરૂચ: (Bharuch) આમોદના આછોદમાંથી ૭ મહિના પહેલા સસ્તામાં સોદા અને સોનાના નામે બે વેપારીઓને લૂંટનાર કુખ્યાત ટોળકીના ૫ સાગરીતોએ સુરતના દલાલને (Surat Broker) RBIની ડબલ સિરીઝની નોટમાં એકના ત્રણગણાની લાલચ આપી રૂ.૧૮ લાખમાં નવડાવ્યો હોવાનો ગુનો આમોદ પોલીસમાં (Police) દાખલ થયો હતો.
- RBIએ ભૂલમાં એ જ નંબરની નોટો છાપી હોવાનું કહી ભેજાબાજોએ સુરતના દલાલને રૂ.૧૮ લાખમાં નવડાવ્યો
- એકના ત્રણગણા આપવાનું કહી આમોદના આછોદ ખાતે બે વખત બોલાવી પોલીસની રેઇડનો સ્વાંગ રચી લૂંટ્યો
- આમોદ પોલીસમાં છેતરપિંડીનો ગુનો દાખલ, ટોળકીએ અગાઉ નડિયાદ અને વ્યારાના વેપારીને સસ્તામાં સોનું અને સસ્તામાં સોદાના નામે લાખોમાં લૂંટ્યો હતો
ભરૂચ LCB એ આમોદના આછોદમાં વ્યારા અને નડિયાદના વેપારીને લાખો રૂપિયા રોકડા સાથે બોલાવી સસ્તાના સોદા અને સોનાના નામે લૂંટી લેનાર ટોળકીના ૫ સાગરીતને ઝડપી પાડ્યા હતા. જે ટોળકીએ હવે સુરતના પુણા ખાતે જય અંબે પેલેસમાં રહેતા દલાલ વિપુલભાઈ મનુભાઈ પટેલને શિકાર બનાવ્યો છે. આજથી એક વર્ષ અગાઉ વલસાડના મિત્ર રજની ઉર્ફે સજનીકાંત પટેલે જમીન-મકાનની દલાલી કરતા વિપુલભાઈને S.S. એટલે કે સેકન્ડ સિરીઝ, એક નંબરની ડબલ નોટો છપાઈ ગયા અંગેનો ઘટસ્ફોટ કર્યો હતો.
આ પ્રકરણમાં વાંસદા કોર્ટમાં પ્યુન એવા ચંદ્રકાંત ઉર્ફે ચંદનનો સંપર્ક કરાવતાં તેને ટોળકીના અન્ય સાગરીતો સાથે વાત કરાવી હતી. ટોળકીએ તેઓ પાસે RBIએ ભૂલથી ડબલ સિરીઝની છાપેલી નોટો હોવાનું અને તેને એકના ત્રણ ગણામાં આપવાનું કહી પ્રથમ પાદરાના સાધી ગામે બેઠક યોજી હતી, જેમાં ૫૦૦ના દરની અસલ નોટોનાં બંડલો બતાવતાં સુરતના દલાલને લાલચ જાગવા સાથે એકના ત્રણ ગણા કરવામાં તે ટોળકીની જાળમાં ફસાઈ ગયો હતો. ડિસેમ્બર-૨૦૨૨માં સુરતના વિપુલભાઈ મિત્ર પાસેથી ઉછીના રૂ.૧૦ લાખ રોકડા લઈ આમોદના આછોદ ગામે આવ્યા હતા. ત્યાં જ રોકડા ટોળકીના સાગરીતોએ છીનવી લઈ નકલી પોલીસની રેઇડ કરાવી દલાલને લૂંટી ધમકી આપી ભગાડી મૂક્યો હતો.
પાંચ દિવસ બાદ ટોળકીના ભુજના રાજુભાઇ ઉર્ફે અબ્દુલ ખાલિદ જાનું શિરૂ, આછોદના હનીફ પઠાણ, ઈમ્તિયાઝ ઉર્ફે લાલો પટેલ, ઇકબાલ પઠાણ અને હરેશ જાડેજાએ પાછો આ ખેલ ખેલ્યો હતો. દલાલ ફરી બીજા રૂ.૧૦ લાખ રોકડા લઈ આછોદ આવતા કોરા ચેકને રોકડા લઈ લૂંટી લઈ ભગાડી દીધો હતો. બાદ કુખ્યાત ટોળકીના ૫ સાગરીતોને ભરૂચ LCBએ ચિલ્ડ્રન નોટ, રોકડા અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જુલાઈમાં તે ટોળકીના સાગરીતો બહાર આવતા દલાલે તેમની પાસે પોતાના રૂ.૨૦ લાખ પરત માંગતાં ફક્ત રૂ.૨ લાખ રોકડા, કોરા ચેક અને પ્રોમિસરી નોટ પરત અપાઈ હતી. અન્ય રૂ.૧૮ લાખ નહીં આપતાં આમોદ પોલીસમથકે પાંચ જણાની ટોળકી સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.