ભરૂચ: (Bharuch) ભરૂચના ઝઘડિયાના સારસા ગામ નજીક રોડની સાઈડમાં (Road Side) ઊભેલી એક ટ્રકના (Truck) પાછળના ભાગે એક મોટરસાઇકલ (Motorcycle) અથડાતાં ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મૂળ ઝારખંડનો રહીશ અને હાલ ઝઘડિયાના રતનપુર નજીક વરુણ પ્રોકન કંપનીમાં રહી ડ્રાઇવિંગનું કામ કરતો અબ્દુલહસન જૈનુલઆબેદિન અન્સારી મંગળવારે તેની હાઇવા ટ્રક સારસા ગામ નજીક રોડની સાઈડમાં ઊભી રાખીને ઊભો હતો. દરમિયાન રાજપારડી તરફથી આવતા એક મોટરસાઇકલ ચાલકે આ ઊભેલી ટ્રકના પાછળના ભાગે પોતાની મોટરસાઇકલ અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક કનુભાઈ મેલસીંગભાઈ જોગી (ઉં.વ.૪૫) (રહે.,મોહન ફળિયું, ઝઘડિયા, જિ.ભરૂચ)નું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના સંદર્ભે ટ્રકચાલક અબ્દુલહસન અન્સારીએ રાજપારડી પોલીસમથકે ફરિયાદ લખાવી હતી. સારસા નજીક ધોરી માર્ગની કામગીરી ચાલતી હોવાથી આ ટ્રક પથ્થરો ભરીને આવી હતી અને ખાલી કરવા રોડની સાઇડમાં ઊભી રાખી હતી. એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
સોનગઢના હિંદલા ગામે પુલ નીચે બાઇક ખાબકતાં ચાલકનું મોત
સુરત: સોનગઢ હિંદલા ગામની સીમમાં આવેલા દેવમોગરા માતાના મંદિર નજીક રોડના વળાંકના પુલિયા પાસે તા.૩૦ જાન્યુઆરીએ સાંજે ૪:૩૦થી તા.૩૧ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યા પહેલાં પીન્ટુ ગમા વસાવા (ઉં.વ.૩૨) (રહે., હિંદલા, દાદરી ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી) મો.સા. નં. (GJ-19-AG-9655)ને પૂરઝડપે હંકારી જઇ રહ્યા હતા. એ અરસામાં તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બાઇક સ્લિપ થઈ પુલિયા નીચે પડી ગઈ હતી, જેમાં ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
ખોલવડ પાસે ડિવાઈડર સાથે યાર્ન ભરેલો ટેમ્પો અથડાતાં મજૂરનું મોત
કામરેજ: સુરતથી કીમ યાર્ન ભરીને જતા ટેમ્પોના ચાલકે ખોલવડ નેશનલ હાઈવે નં.48 પર ડિવાઈડર સાથે ટેમ્પો અથડાવતાં ટેમ્પો પલટી મારી જતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું.
કામરેજના ખોલવડ ગામની સીમમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં.48 ઉપર મંગળવારે સવારે 9 કલાકે સારોલી ગોડાઉનમાંથી યાનના કાર્ટુન ભરીને કીમ જતો આઈસર ટેમ્પો નં.(જીજે 05 એટી 3222)નો ચાલક મેહરામ રાણારામ રબારી (હાલ રહે.,એ-10, ઉમિયાનગર-ગોડાદરા રોડ, લિંબાયત, મૂળ રહે., જિ.બાડમેર, રાજસ્થાન) કાર્ટુન ખાલી કરવા માટે બે મજૂર દિનેશ ટુકન હજારા (ઉં.વ.47) (હાલ રહે.,રીસીનગર, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત, મૂળ રહે.,મહોચા, જિ.ગિરિડીટ, ઝારખંડ) તથા દેવકુમાર સુરેન્દ્ર યાદવ (રહે.,કડોદરા, નીલમ હોટલ પાસે, તા.પલસાણા) સાથે જતાં ડ્રાઈવરે ટેમ્પોને તાપી નદીના પુલ પાસે ડિવાઈડર સાથે અથડાવી દેતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. આ બનાવમાં દિનેશ હજારાને ગંભીર ઈજા થતાં સારવાર માટે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે ડ્રાઈવર અને અન્ય મજૂરનો બચાવ થયો હતો. આ ઘટના બાદ હાઈવે પર ત્રણ કલાક જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.