ભરૂચ: (Bharuch) ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીમાં (Narmada River) અચાનક ભરતીના પાણી આવતાં અનેક વાહનચાલકો ફસાતાં જીવ તાળવે ચોંટી ગયા હતા. ફસાયેલા લોકોએ પોતાનાં વાહનો બહાર કાઢ્યાં હતાં. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
- ભરૂચની નર્મદા નદીમાં ભરતી આવતાં ગોલ્ડનબ્રિજ પાસે ફરવા ગયેલા લોકો ફસાયા
- નદી કાંઠે લોકો પોતાનાં વાહનો સાથે મોજ-મસ્તી કરતા હતા એ વેળા ભરતીનું પાણી આવી ગયું
- ભારે મહેનતે બહાર નીકળ્યા, ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
હાલ પડી રહેલી અગનગોળા ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ બની જતા હોય છે. સાંજે લોકો નદી કિનારે મોજ-મજા માણવા જતા હોય છે. ભરૂચ નગરમાં પણ સાંજના સમયે ઘણા લોકો નર્મદા નદી કિનારે મજા માણવા માટે ગયેલા હતા. પરંતુ આ વાહનચાલકોને મજા માણવી મુશ્કેલ બની હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજના નર્મદા નદી કિનારે અનેક લોકો મિત્રો અને પરિવાર સાથે પોતાનાં વાહનો લઈ સાંજના સમયે મજા માણવા માટે ગયા હતા.
એ વેળા પૂનમનો દિવસ હોય અને નર્મદા નદીમાં ભરતીના પાણી આવતાં કિનારા વિસ્તારોમાં ભરતીના પાણી ફરી વળતાં સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને નદી કિનારે મજા માણવા ગયેલા કેટલાય વાહનચાલકો ભરતીના પાણીમાં ફસાયા હતા. ત્યારે વાહનચાલકોએ પોતાના જીવના જોખમે મહામુસીબતે વાહનો બહાર કાઢ્યાં હતાં. આ વાહનચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં જ નર્મદા નદીમાં પોઇચા ખાતે સુરતના સાત લોકો ડૂબી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ ભરૂચના બે લોકો દિવેરમાં નાહવા ગયા હોય ત્યારે ડૂબી ગયા હતા. ત્યારે નર્મદા નદી કિનારે વાહનો લઈને ઘૂસી જતા વાહનચાલકોની કોઈ મોટી હોનારત સર્જાય તો કોની જવાબદારી કોની રહેશે?