તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં મોડી રાત્રે કોવિડ વોર્ડમાં લાગેલી આગના કારણે બે નર્સ અને 16 જેટલા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મોત નીપજ્યા હતા. આગની આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી એ મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસ પંચ યોગ્ય તપાસ કરીને ઘટના બનવા પાછળના કારણો કયા હતા ? અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે.
ભરૂચ ખાતેની આ દુઃખદ ઘટના સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંપૂર્ણ સંવેદના સાથે મૃતકોના પરિવારજનોને સહાયરૂપ થવા રૂપિયા ૪ લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
આગથી દર્દીઓને બચાવવા સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ અપાશે
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસ અને ફાયરના જવાનોને ઇનામ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. વેલ્ફેર હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચીને વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓએ ના પાડવા છતાંય આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવ્યા છે એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય કરાયો છે.
સુરતના એસીપી ચૌહાણ, કંટ્રોલરૂમના પૂજા રાજપૂત સહિત 9 પોલીસ કર્મીઓનું સન્માન કરાયું
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીને બિરદાવીને શ્રેષ્ઠ કામગીરી કરનાર ૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરીને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું. આ વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા. આ નવ પોલીસ અધિકારીઓમાં સુરતના એસીપી એ.પી. ચૌહાણ અને સુરત પોલી કન્ટ્રોલ રૂમના પૂજા રાજપૂતનો સમાવેશ થાય છે.