ભરૂચ: (Bharuch) જંબુસર-ભરૂચ હાઈવે (Highway) રોડ પરથી બે બાઈકસવાર આમોદ તરફ જવાના માર્ગ (Road) પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની નજીક ટેમ્પોએ ટક્કર મારી દેતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર પુરસા ગામના બાપુસાહેબ કરીમ રાઠોડ તથા મછાસરાના ગામના જિગરભાઈ બાઇક પર બેસી જંબુસર-ભરૂચ હાઇવે રોડ ઉપર આમોદ તરફ જઈ રહ્યા હતા. તેઓ જંબુસરની ડીજીવીસીએલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમય દરમિયાન પાછળથી આવી રહેલા ટેમ્પોના ચાલકે ટક્કર મારતાં બંનેનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જંબુસર પોલીસને અકસ્માત અંગે જાણ થતાં સ્થળ પર પહોંચી બંને યુવકના મૃતદેહને પીએમ અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
ભિલાડના તલવાડા હાઇવે પર ટેમ્પો અડફેટે બાઇક સવારનું મોત
ઉમરગામ : ભિલાડ નજીક તલવાડા હાઇવે પર ટેમ્પો અડફેટે અકસ્માતમાં મો. સાયકલ સવાર બેને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાના કારણે એકનું કરુણ મોત નીપજવા પામ્યું હતું. વાપી છડવાડામાં રહેતી અંશિકાસિંગ સત્યપ્રકાશ રામસિંગનો પતિ વાપીમાં અજય ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરે છે. રવિવારે મજૂરો દીપકકુમાર તથા રોશન રાજકુમારી યાદવ સાથે કંપનીના કામ માટે મહારાષ્ટ્રના અછાડ ગયા હતા.
કામ પતાવીને બજાજ મોટરસાયકલ નં જીજે 15 બીઆર 7030 ઉપર પરત વાપી આવી રહ્યા હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે મુંબઈથી સુરત તરફ જતા હાઇવે પર ભિલાડ નજીક તલવાડામાં આઇસર ટેમ્પો નંબર એમ એચ 48 એ.વાય 6126 ચાલક રાકેશ જાટે ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર આ ત્રણેયને ઇજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર ઇજાના લીધે રોશન રાજકુમારી યાદવને સારવાર માટે કોટેઝ હોસ્પિટલ સેલવાસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું. આ બનાવની જાણ ભિલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.