ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વેની (Express Way) ભરૂચ જિલ્લામાં જમીન સંપાદન વળતરને લઈ અટકેલી કામગીરી ગુરુવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાતાં અસરગ્રસ્ત ખેડૂતોમાં (Farmer) ભારે નારાજગી ઉદભવી હતી. ખેડૂતોએ કામગીરીનો વિરોધ દર્શાવી વલસાડ, નવસારી અને સુરત જેટલું વળતર આપવાની માંગ કરી હતી.
- મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ વેની કામગીરી સામે ભરૂચના ખેડૂતોમાં વિરોધ
- વલસાડ, નવસારી અને સુરત જેટલું વળતર આપવાની માંગ
ભરૂચ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી અંકલેશ્વર, હાંસોટ અને આમોદ તાલુકાનાં કેટલાંક ગામોમાં જમીન સંપાદન વળતરને લઈ પાછલાં કેટલાંક વર્ષોથી ઘોંચમાં પડી છે. જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને અપાયેલું વળતર માંગી રહ્યા છે. જ્યારે NHAI તે આપવામાં આનાકાની કરી રહી છે. આર્બીટ્રેટરના એવોર્ડને પણ હાઇવે ઓથોરિટીએ કોર્ટમાં પડકાર્યો હતો.
છેલ્લા ઘણા મહિનાઓથી બંધ એક્સપ્રેસ વેની કામગીરીમાં ગુરુવારે આમોદના સીમરથા ગામે ૫૦૦થી ૮૦૦ મીટરની કામગીરી માટે આમોદ પોલીસ સહિતના ધાડેધાડા સ્થળ પર ગોઠવાઈ ગયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાકી રહેલા એક્સપ્રેસ વેની કામગીરી હાથ ધરાઈ હતી. અહીં કોઈ ખેડૂત વિરોધ કરવા આગળ આવ્યા ન હતા. બીજી તરફ હાંસોટના ઘોડાદરામાં NHAI પોલીસ બળ સાથે ખેતરોમાં ઘૂસતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. હાઇવે ઓથોરિટીએ પોલીસના જોરે જબરદસ્તીથી કામગીરી શરૂ કરી હોવાનો ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.
રાજપીપળામાં શામળાજી-વાપી નેશનલ હાઈવે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન માપણી
રાજપીપળા: નર્મદા જિલ્લામાંથી પસાર થતા શામળાજીથી વાપી સુધીના નેશનલ હાઈવેનો અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અગાઉ જ્યારે આ નેશનલ હાઈવેનું જાહેરનામું બહાર પડ્યું ત્યારે આસપાસના ગ્રામજનોએ આ હાઈવેનો વિરોધ નોંધાવતો ઠરાવ પસાર કર્યો હતો. તો બીજી બાજુ જમીન માપણીની કામગીરીમાં લોકો સહયોગ આપે એ માટે નાંદોદ પ્રાંત અધિકારીઓએ ખેડૂતો સાથે એક બેઠક પણ કરી હતી. એ બેઠકમાં ખેડૂતોએ જમીન માપણીનો સખત વિરોધ કર્યો હતો. હવે ખેડૂતોનો મિજાજ પારખી જતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ નેશનલ હાઇવે ઓથોરિટીના અઘિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન માપણીની કામગીરીનો આરંભ કરી દીધો છે. જો કે, જમીન માપણી દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો નથી.
એક તરફ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જમીન માપણી કરી રહ્યા હતા. તો બીજી બાજુ અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા કલેક્ટર અને નાંદોદનાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને લેખિત રજૂઆત કરી હાઈવેની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જે જમીન પર ખેડૂતોનો જીવનનિર્વાહ ચાલે છે એવા વાવડી તથા જીતનગર ખેડૂતોના આખાં ખેતરો આ હાઈવેમાં નાશ પામે છે.
આ બાયપાસ રોડમાં ત્રણ સોસાયટીઓને પણ નુકસાન થાય છે. આ સોસાયટીને નુકસાન થવાથી આશરે 100 જેટલા પરિવારો જમીન પર આવી જશે. જૂના ફોરલેન રોડની બાજુમાં બીજો 8 માર્ગીય બને એમ છે તે છતાં આ રસ્તો બાયપાસ કરવાથી અનેક ખેડૂતો તથા રહીશો બે ઘર બને એમ છે. અમારી રોજીરોટી ખેતી પર નભે છે, નરેન્દ્ર મોદીની સરકાર ગરીબોની સરકાર કહેવાય છે ત્યારે ગરીબ ખેડૂતોની જમીન ન જાય એવી અમારી વિનંતી છે. ગ્રામસભામાં પણ તમામ ખેડૂતોએ આ હાઈવેનો વિરોધ નોંધાવ્યો હતો, પંચાયત કાયદા મુજબ આદિવાસી વિસ્તારમાં પેસા એક્ટ મુજબ ગ્રામસભા જે નક્કી કરે એ મુજબ અનુસરવું પડે છે.