ભરૂચ: (Bharuch) ભરૂચ તાલુકાના બોરીગામ ખાતે શનિવારે અચાનક રહસ્યમયી સંજોગોમાં ૧૫થી વધુ બકરાંનાં (Goats) મોત થતાં પશુપાલકો પર આભ ફાટતાં નિરાધાર બની ગયા છે. કયા સંજોગોમાં એકાએક બકરાંના મોત હજુ કારણ જાણી શકાયું નથી. જે બાબતે પશુ ચિકિત્સક ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બે બકરીઓને સારવાર આપીને બચાવી લીધી છે.
શનિવારે બોરીગામના રહેવાસી ભારમરભાઈ અને દિનેશભાઈ રોજબરોજ પ્રમાણે પોતાના બકરાં ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. એ વેળા એક ખેતર નજીકથી પસાર થતાં ખેતરમાં વાવણી માટે પાણી આપતા હતા. બકરાંએ પાણી પીધું હતું. ત્યારબાદ થોડીક ક્ષણોમાં એક પછી એક એમ ૧૫થી વધુ બકરાં જમીન નીચે પડતાં છેલ્લો શ્વાસ લીધો હતો. ૧૫થી વધુ બકરાં મોતને ભેટતાં નાનકડા પશુપાલક પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટના અંગે બકરાં ગુમાવેલા પશુપાલકોએ પશુ ચિકિત્સકને જાણ કરતાં ડો.મિતેષ ભાટિયા તેમજ લેબોરેટરીનાં ડો.દીપ્તિ રાવલે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ કરી હતી.
ખેતરમાં પાણી પીધા બાદ બકરાંનાં મોત થયાનું અનુમાન: ડો.મિતેષ ભાટિયા
બકરાંનાં મોત અંગે માહિતી મળતાં પશુ ચિકિત્સક મિતેષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગેની માહિતી મળતાં તરત જ ઘટના સ્થળે અમારી ટીમ પહોંચી ગઈ હતી. પશુપાલકો સાથે વાત કરતાં બકરાંએ ખેતરમાં જતું પાણી પીતાં જ મોત થયાં હતાં. જેથી કદાચ ખેડૂતે પોતાના ખેતરમાં જીવજંતુથી બચવા માટે છાંટવામાં આવેલી દવા કે યુરિયા પાણીમાં ભળતાં એ પાણી બકરાંએ પીતાં મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. જો કે, બે બકરીને સારવાર આપીને બચાવી લીધી છે.