ભરૂચ: ભલે બાર ગામે રિવાજો-પરંપરા અનોખા અને બદલાયેલા હોય, જો જાણતા ન હોય તો ગરબડ થઇ જાય. ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day) ઉજવણીમાં રાજ્યના કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલ સ્થાનિક નેતાઓ સાથે ઉપસ્થિત હતા. આદિવાસી પરંપરાથી અજાણ મૂળ સૌરાષ્ટ્રીયન રાઘવજી પટેલ, પૂજાવિધિ કરતી વેળા ધરતીને ધરાવવાનો દારૂનો (Alcohol) ભૂલથી ઘૂંટડો મારી પી ગયા હતાં. રાઘવજી પટેલને કોઈક ચરણામૃત હોવાનું લાગતાં તેમણે તે પી લીધું હતું. પરંતુ પછીથી એવી ખબર પડી કે તેઓ આ પરંપરાની અજાણ હતાં અને ભૂલમાં દારૂનો ઘૂંટડો મારી ગયા હતાં.
- પૂજાવિધિ વેળા પૂજારીએ પાનમાં દારૂ આપ્યો, તો રાઘવજી પટેલે ચરણામૃત સમજીને મોઢે માંડી દીધો
- ભૂલ અંગે જાણ કરાતાં છેવટે કૃષિમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી, રીત-રિવાજ જાણતા ન હોવાથી ગરબડ થયાનો ખુલાસો
પૂર્વભાગમાં ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ હતી. આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરા પ્રમાણે પૂજાવિધિ કરતા હોય છે. પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની વર્ષોથી પરંપરા ચાલતી આવે છે. જેમાં હાજર કૃષિમંત્રી સહિત સ્થાનિક નેતાઓને પુજારીએ એક પાનમાં દેશી દારૂ ધરતીને ધરાવવા માટે આપ્યો હતો.
જો કે આદિવાસી રીતિ રીવાજોથી અજાણ રાઘવજી પટેલને પાનમાં દારૂ આપવામાં આવ્યો ત્યારે તેમને એવું થયું કે પૂજામાં કોઈક ચરણામૃત હશે, એટલે પાનમાં દારૂનો ઘુટડો મોઢામાં મુકીને પી ગયા હતાં. બાજુમાં ઉભેલાને પણ ખબર પડી ન હતી. આવું જોનારે આ ઘટના બાદ મંત્રીને કહ્યું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે. જેથી મંત્રી રાઘવજી પટેલને અચાનક ભૂલ સમજાઈ ગઈ હતી અને તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી.
આ અંગે રાઘવજી પટેલે પત્રકારોને હળવાશથી કહ્યું કે મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીંની વિધિઓ અને રિવાજોથી હું અજાણ છું અને તેમાં પણ પહેલી વખત હું અહીંયા આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું. પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હોવાથી આવું બની ગયું.