ભરૂચ: (Bharuch) બ્લેકસ્ટોન ક્વોરી ઉદ્યોગ માટે વિકલ્પરૂપ વાડી-વાલિયા રોડ પર અકસ્માત ઝોન (Accident Zone) ગણાતા પથ્થરિયા વણાંક પાસે ટ્રીપલ અકસ્માતમાં લક્ઝરી બસે (Luxury Bus) બાઈકને (Bike) અડફેટે લેતાં ઉભારિયા ગામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે લક્ઝરી બસમાં પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શને જતા જ પથ્થરિયા પાસે અકસ્માત થતા ૧૪ જેટલા શ્રદ્ધાળુને ઈજા પહોંચતાં વાલિયા તેમજ ઝંખવાવ સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા. જો કે, આ જગ્યાએ સામાન્ય વરસાદમાં ચીકણો માર્ગ બનતાં આગળની લક્ઝરીના ચાલકે સામેથી આવતાં બાઈકસવારને બચાવવા માટે બ્રેક મારતાં જ બસ સ્લિપ થઇ જતાં જ જુવાનજોધ યુવાન અડફેટે આવતાં જીવ ગુમાવ્યો હતો.
- લક્ઝરી બસે બાઇકને અડફેટે લેતાં એકનું મોત, પાછળથી અન્ય લક્ઝરી બસને અકસ્માત, 14 ઘાયલ
- સુરતના નાની-મોટીચેર તેમજ રતનિયા ગામનું મહિલામંડળ બે લક્ઝરી બસમાં ૧૧૨ શ્રદ્ધાળુ સાથે જંબુસરના કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શને જતું હતું
- વાડી-વાલિયા રોડ પર અકસ્માત ઝોન ગણાતા પથ્થરિયા વણાંક પાસે ટ્રીપલ અકસ્માત
હાલમાં શ્રાવણ મહિનો હોવાથી હિન્દુ શ્રદ્ધાળુ સુરત જિલ્લાના નાની-મોટીચેર તેમજ રતનિયા ગામનું મહિલામંડળ બે લક્ઝરી બસમાં ૧૧૨ શ્રદ્ધાળુ સાથે સોમવારે જંબુસરના કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શને જતું હતું. ત્યારે સોમવારે વહેલી સવારે પથ્થરિયા ગામથી લક્ઝરી પસાર થતી વેળા અકસ્માત ઝોન ગણાતો પથ્થરિયા વણાંકમાં જર્જરિત રોડ પર જ ટ્રીપલ અકસ્માત થતાં ઝઘડિયા GIDCની KLJ કંપનીમાં નોકરી કરીને પોતાના માદરે વતન ઉભારિયા ગામે જતા કલ્પેશ ચૌધરીની બાઈકને લક્ઝરી બસે અડફેટે લેતાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પાછળથી બીજી લક્ઝરી અથડાતાં ૧૪ જણાને ઈજા થતાં વાલિયા અને ઝંખવાવ સારવાર અર્થે ખસેડાયા હતા. વહેલી સવારે બનેલી ઘટનાને પગલે જ ભાજપ અગ્રણી ચંદન વસાવા સહિત અનેક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયાથી કદવાલી રોડની ક્વોલિટી સામે સવાલ
વાલિયા-વાડી રોડ માંડ માંડ હમણા જ મરામત થયો હોવા છતાં પણ ૮ કિ.મી.ના અંતરે આવેલો વાલિયાથી કદવાલી રોડની ક્વોલિટી સામે પહેલાથી અનેક પ્રશ્નાર્થ ઉદભવી રહ્યા છે. ભરઉનાળામાં ડામર પીગળતો હોવાથી રોડ પર વાહન ચલાવવું મુશ્કેલભર્યું હતું. હવે જ્યારે વરસાદી માહોલમાં પણ આ રોડ ક્વોલિટી મેન્ટેઇન ન કરતાં જ હાલમાં ચીકણો અને દુર્ઘટનાગ્રસ્ત બની જાય છે. જેને લઈને અનેક વાહનો સ્લિપ ખાવાના બનાવો બને અને વાહનચાલકો ઈજાગસ્ત બની જાય છે.