ભરૂચ: (Bharuch) યુક્રેનમાં (Ukraine) રશિયાના (Russia) હુમલા (Attack) વચ્ચે યુદ્ધની (War) સ્થિતિ વચ્ચે ભરૂચની વિદ્યાર્થીની (Student) આયશા ફસાઈ છે. ભરૂચની આયશા શેખે ભારત સરકાર પાસે મદદ માંગી છે. યુક્રેનમાં માર્શલ લો (Marshal Law) લાગી ગયો છે. સતત હુમલા થઈ રહ્યાં છે. દરમિયાન યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને ઘરમાં જ રહેવાની ભારતીય દુતાવાસે અપીલ કરી છે. જેમાં ઘરમાં રહો સુરક્ષિત રહો જણાવાયું છે. બીજી તરફ ભરૂચની યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થીનીએ ભારત સરકારને તેઓને ઉગારી લેવા મદદ (Help) માટે કરેલી અપીલનો વિડીયો (Video) સામે આવ્યો છે.
- આયશા શેખ મૂળ ભરૂચની રહેવાસી છે અને અભ્યાસ માટે યુક્રેન ગઇ હતી
- સાયરનોના સતત ગણગણાટ વચ્ચે ટરનોપિલ ચેસ્ક્યુસ્કોઓ 39 ના ફ્લેટ નંબર 57 માં આયશા કેદ
- તમામ ફ્લાઇટો રદ થતાં વિદ્યાર્થીઓના જીવ ઉચાટમાં, પૈસાની પરવા કર્યા વગર ભારતીય વિદ્યાર્થીઓએ જીવ બચાવવા મદદ માંગી
- જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચના યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોના પરિવાર કલેકટર કચેરીનો સંપર્ક કરવા સૂચના આપી
યુક્રેનમાં ફસાયેલી આયશા શેખ વીડિયોમાં જણાવી રહી છે કે, તે યુક્રેનમાં ટરનોપિલમાં ચેક્યુસ્કોઓમાં ૩૯ માં ફેલેટ નંબર ૫૭ માં ૪૬૦૦૨માં ફસાયેલી છે. ભરૂચની આ વિદ્યાર્થીની સાથે મધ્યપ્રદેશની દિવ્યા અને રાજસ્થાનની આશીતા પણ ફસાયેલી છે. અગાઉ આ ભરૂચ, ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓએ પોતાની યુનિવર્સીટી અને એમ્બેસીને નાજુક સ્થિતિ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રજૂઆતો કરી હતી. પરંતુ યુનિવર્સીટી કે દુતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત વતન લઈ જવા કોઈ કાર્યવાહી કરી ન હતી.
હવે યુદ્ધ ફાટી નીકળવા સાથે રશિયા દ્વારા હુમલા શરૂ થઈ ગયા છે. માર્શલ લો લાગી ગયો છે. ભરૂચની આયશા યુક્રેનમાં જે વિસ્તારમાં રહે છે ત્યાં સતત સાયરનોની ગૂંજી રહી છે.એર ઇન્ડિયાની ગુરૂવારે સવારે આવેલી ફ્લાઇટ પણ પરત ફરી હતી. કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ કતારોમાં છે. ફ્લાઈટો રદ થઈ રહી છે. ત્યારે પૈસા કરતા વિદ્યાર્થીઓની જિંદગી વધુ કિંમતી હોય ભારત સરકાર ગમે તે રીતે યુક્રેનમાં ફસાયેલા ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓને સુરક્ષિત હેમખેમ વતન લઈ જવાની વ્યવસ્થા કરે તે માટે મદદ મંગાઈ છે. ભરૂચની આયશાનો મદદ માટેનો વિડીયો વાયરલ થયા બાદ તેનો પરિવાર અને જિલ્લામાં બુદ્ધિજીવી લોકો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ કે લોકોની માહિતી તંત્ર અને સરકારને મળી રહે તે માટે તાત્કાલિક કલેકટર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. ખાસ કરીને ગુજરાત અને ભારત સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.
ફ્લાઈટનું ભાડું ૪૫ હજારથી વધીને ૨ લાખ થઇ ગયું
રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે અને એની વચ્ચે પીસાઈ રહ્યા છે ગુજરાત સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પડતા પર પાટું હોય એમ તમામ એર લાઇન્સે ભાડામાં ધરખમ વધારો કરી દીધો છે. જે ભાડું 45 હજાર ની આસપાસ હોય એ હવે 2 લાખની આસપાસ થઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીનીઓ એ જણાવ્યું કે તેઓ જ્યારે ભારતીય દૂતાવાસમાં મદદ માટે ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારી પાસે 48 કલાક છે પૈસાની વ્યવસ્થા કરો અને ટિકિટ બુક કરીને નીકળો ત્યારે બાદ અમારી કોઈ જવાબદારી નહિ રહે.