બેંગ્લુરુ: (Bengaluru) કર્ણાટકના બેંગ્લોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્લફ્રેન્ડે (Girlfriend) તેના ડોક્ટર બોયફ્રેન્ડને (Boyfriend) માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘટના બેંગલુરુ સાઉથ ઈસ્ટ ડિવિઝનની છે. 10 સપ્ટેમ્બરે વિકાસ નામના યુવકને બેભાન અવસ્થામાં સેન્ટ જોન્સ હોસ્પિટલમાં (Hospitals) દાખલ કરવામાં આવ્યો હતો. 27 વર્ષીય વિકાસનું મૃત્યુ 14 સપ્ટેમ્બરે થયું હતું. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો ખબર પડી કે તેની પ્રેમીકાએ તેના પર હુમલો કરી દેને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો.
તમિલનાડુનો રહેવાસી વિકાસ વ્યવસાયે ડોક્ટર છે અને બે વર્ષ પહેલા પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા બેંગ્લોર આવ્યો હતો. વિકાસ બીટીએમ લેઆઉટમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બેંગ્લોર આવ્યા બાદ તેણે એક એપ દ્વારા પ્રતિભા નામની મહિલા સાથે મિત્રતા કરી હતી. આર્કિટેક્ટ કંપનીમાં કામ કરતી પ્રતિભા પણ તમિલનાડુની હતી, તેથી તેમની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બંને એક જ ઘરમાં સાથે રહેવા લાગ્યા હતા. વિકાસ અને પ્રતિભાના પરિવારજનોને તેમના સંબંધોની જાણ થતાં તેઓ લગ્ન સંબંધમાં બંધાવાના હતા. વિકાસના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 8 સપ્ટેમ્બરે જ્યારે પ્રતિભા વિકાસના લેપટોપમાં જોઈ રહી હતી ત્યારે તેણે જોયું કે વિકાસે ફેક એકાઉન્ટ બનાવીને તેની નગ્ન તસવીરો તેના મિત્રો સાથે શેર કરી હતી. પ્રતિભા ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિકાસે મામલાને હળવાશથી લેવાનું કહ્યું હતું જેનાથી પ્રતિભા વધુ ગુસ્સે થઈ ગઈ અને તેણે વિકાસ સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું.
પ્લાન મુજબ 10 સપ્ટેમ્બરે પાર્ટી કરવાના નામે પ્રતિભા વિકાસ સાથે તેના મિત્ર સુશીલના ઘરે માઈકો લે આઉટ જવા નીકળી હતી. ત્યાં સુશીલ ગૌતમ અને સૂર્યાના વધુ બે મિત્રો પણ આવ્યા હતા. ત્રણેો મળીને વિકાસને માર માર્યો હતો જેના પછી વિકાસ બેભાન થઈ ગયો હતો. તણાવગ્રસ્ત પ્રતિભાએ તેને સેન્ટ જોન્સ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. વિકાસના શરીર પર ઈજાના નિશાન જોઈને હોસ્પિટલે પોલીસને જાણ કરી અને પોલીસે હુમલાનો કેસ નોંધ્યો હતો. આ પછી વિકાસ કોમામાં ચાલ્યો ગયો હતો અને 14 સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રતિભા અને તેના બે મિત્રો સુશીલ અને ગૌતમની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી સૂર્યાને શોધી રહી છે.