જેઓના બે નંબરના કુંભઘડા છલકાય છે તે એક સમાજમાં ઉજળા દેખાવા કરોડોના દાનની જાહેરમાં ઉછામણી કરે છે. નેવું ટકા પ્રજાના પૈસા ફક્ત દશ ટકાના કુંભઘડામાં ઠલવાય છે. કહેવાતા દાનધર્મ પુણ્ય કમાવા એક છળકપટ છે. (અપવાદ હોઈ શકે) મોટા મોટા ધજા. પતાકા સાથે વરઘોડા કાઢી સમાજમાં વાહ વાહ કરાવવી એ એક આત્મશ્લાઘા છે. બે નંબરની સંપત્તિને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો વ્હાઈટ કરાવવાના આ લોકો (કટકીખાંઉ) અનેક છટકબારીઓથી સરકારની આંખમાં ધૂળ ઝોંકે છે. એક નંબરી ચેક આપી બેનંબરી નાણાં મોટા મોટા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ આવક વિભાગને ધોળે દિવસે છેતરે છે. વ્હેવારમાં આજે પણ ચાલીસ સાંઈઠ ટકાનો રેસિયો ચાલે છે.
અડાજણ – અનિલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગિફ્ટ સિટી ને દારૂની ગિફ્ટ!
ગીતા જયંતી ના અવસરે એક તરફ પાઠ્યપુસ્તક માં ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવાની જાહેરાત તો સાથે સાથે એજ દિવસે સાંજ સુધીમાં તો ગિફ્ટ સિટી માં દારૂની છૂટ આપવાનો નિર્ણય.આમ તો ગુજરાતમાં દારૂબંધી નામની જ છે એ વાત બધા જ જાણે છે.એટલે ખરેખર તો સરકારે લોકોની જ ઈચ્છા પૂરી કરી એમ કહીએ તો ખોટું નથી. બિઝનેસ માટે આ જરૂરી છે તો પછી એનો અર્થ એ થયો કે ધર્મ કે સંસ્કાર કે બીજી બધી બાબતો કરતા રૂપિયા જ મહત્વના છે.આમ રક્ષા થશે દેશની પરંપરા,દેશની સંસ્કૃતિની.આ દારૂને ને ભગવદ્દગીતા ને ક્યાં સાથે મેળ પડશે?
હવે કોઈ ગુજરાતી કે ગુજરાત ની અસ્મિતા નથી ઘવાતી? આ સરકારને ખબર છે કે સમગ્ર ગુજરાત માં આજે એક પણ એવી વ્યક્તિ નથી બચી કે જેનો વિરોધ કે આક્રોશ સરકારને કોઈપણ પ્રકારની તકલીફ આપી શકે.જો બિઝનેસ માટે દારુ ની પરમિશન જરૂરી છે તો બીજા ઘણા એવા નશા પણ છે કે એ પણ બિઝનેસ વધારવામાં મદદ કરી શકે એમ છે. કોઈ ગાંધીવાદી,કોઈ સનાતની,કોઈ કથાકાર,કોઈ સંત, મહંત કોઈ પણ ખુલીને આ નિર્ણય નો વિરોધ કરશે? અરે જે બેહનોએ આ સરકાર ના આકાઓને પોતાના ભાઈ બનાવ્યા છે શું એ બેહનો કઈંક કેહસે કે ભાઈની આ ગિફ્ટ ખુશી કે મજબૂરી માં સ્વીકારી લેશે?
સુરત – કિશોર પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.