Sports

ચોથી ટેસ્ટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓ સાથે મેદાનમાં રાષ્ટ્રગીત ગાયું, વીડિયો

અમદાવાદ: આજે તા. 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગવાસ્કર સિરીઝની ચોથી અને છેલ્લી મેચ શરૂ થઈ છે. મેચ પહેલાં ઓસ્ટ્રેલિયા અને ભારત એમ બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમ પર પહોંચ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીસનું ક્રિકેટ ચાહકોએ તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ બંને દેશના વડાપ્રધાનોએ ગોલ્ફ કોર્ટથી બનેલા રથમાં સ્ટેડિયમનો રાઉન્ડ લગાવી દર્શકોનું અભિવાદન કર્યું હતું. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બનીઝે પોત પોતાની ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ આપી હાથ મિલાવ્યા હતા. રાષ્ટ્રગીત વખતે બંને દેશના વડાપ્રધાનો પોતાની ટીમના કેપ્ટનોની બાજુમાં ઉભા રહ્યાં હતાં અને ખેલાડીઓનું અભિવાદન કર્યું હતું. BCCI દ્વારા બંને નેતાઓને ક્રિકેટ દ્વારા 75 વર્ષની મિત્રતાનું પ્રતિનિધિત્વ કરતી ફ્રેમવાળી આર્ટવર્ક પણ રજૂ કરાઈ હતી.

તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન BCCI પ્રમુખ રોજર બિન્ની અને BCCI સેક્રેટરી જય શાહે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાંથી રાજભવન જશે. અહીંથી તેઓ બપોરે દિલ્હી જવા રવાના થશે.

ઓસ્ટ્રેલિયન પીએમ ભારતની સરકારી મુલાકાતના ભાગરૂપે બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા અને તરત જ ટ્વીટ કર્યું હતું. “ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે એક મહત્વપૂર્ણ સફરની શરૂઆત.” અલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમની સફર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે જણાવ્યું હતું કે, “બંને દેશોને જોડતી બાબતોમાંની એક ક્રિકેટ છે અને અમદાવાદમાં પ્રથમ દિવસે ભારત અને ઑસ્ટ્રેલિયાના નેતાઓને જોવું ખૂબ સરસ રહેશે.”

બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. અંતિમ ટેસ્ટમાં જીત સુનિશ્ચિત કરશે કે ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરશે, જ્યાં તેઓ 7 જૂનથી લંડનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

Most Popular

To Top