તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનની અમેરિકા મુલાકાત બાદથી ચીન પરેશાન છે. 9 એપ્રિલ, રવિવારે ચીને તાઈવાનને અડીને આવેલી દરિયાઈ સરહદ પર સતત બીજા દિવસે સૈન્ય કવાયત હાથ ધરી છે. એટલું જ નહીં, તેની સૈન્ય કવાયતના ભાગ રૂપે, ચીને તાઈવાન અને તેની આસપાસના સમુદ્રમાં મુખ્ય લક્ષ્યો પર ચોકસાઇથી હુમલો કરવા માટે મોક ડ્રીલની પ્રેક્ટિસ પણ કરી છે.
ચીન આ સૈન્ય અભ્યાસ એવા સમયે કરી રહ્યું છે જ્યારે અમેરિકી વિદેશ વિભાગના અધિકારીઓએ ચીનને વિનંતી કરી છે કે તે કેલિફોર્નિયામાં તાઈવાનના રાષ્ટ્રપતિની બેઠક પર વધુ પડતી પ્રતિક્રિયા ન આપે. ચીને બીજા દિવસે સૈન્ય અભ્યાસ માટે ડઝનબંધ યુદ્ધ વિમાનો તાઈવાન તરફ મોકલ્યા હતા. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે ચીનની મિસાઈલ દળોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ પણ એવું કહેવું પડ્યું છે કે તે પણ એલર્ટ પર છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ રવિવારે સવારે ફાઈટર જેટ, રિકોનિસન્સ એરક્રાફ્ટ અને રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ સહિત 58 યુદ્ધ વિમાનોને તાઈવાનના એરસ્પેસમાં મોકલ્યા હતા. દિવસેને દિવસે ચીન આક્રમક બની રહ્યું છે. ક્યારેક ભારતને ડરાવે છે તો ક્યારેક અમેરિકાને સીધી ચેલેન્જ આપી રહ્યું છે. માહોલ એવો ઊભો થઈ રહ્યો છે કે ભારત અને અમેરિકા જેવા દેશોએ ચીનની આ વારંવારની અવળચંડાઈ સહન કરીને સમસમીને બેસી રહેવું પડે છે.
ગયા અઠવાડિયે ચીને અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. મોદી સરકારના કાર્યકાળમાં ચીને ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના સ્થળોના નામ બદલ્યાં છે. ચીને છેલ્લા છ વર્ષમાં ત્રણ વખત ભારતના અવિભાજ્ય અંગ ગણાતાં અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલી નાખ્યાં છે. જોકે, સામે ભારતના વિદેશ મંત્રાલયે ચીનની આ હરકતની ખૂબ જ કડક અને સાવચેતીભરી ભાષામાં પ્રતિક્રિયા આપી હતી. ભારતે તેના જવાબમાં કહ્યું હતું કે, અમે આવા અહેવાલો જોયા છે. આ પહેલીવાર નથી, જ્યારે ચીને આવો પ્રયાસ કર્યો હોય. અમે તેનો અસ્વીકાર કરીએ છીએ. અરુણાચલ ભારતનો હિસ્સો છે, હતો અને હંમેશા રહેશે. આ પ્રકારના પ્રયાસથી વાસ્તવિકતા બદલાશે નહીં.
છેલ્લા એક દાયકામાં ચીન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. ત્રણ વર્ષ પહેલા પૂર્વી લદ્દાખના ગાલવાનમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં બંને દેશોના કુલ 24 સૈનિકો શહીદ થયા હતા. તણાવ હજુ પણ યથાવત્ છે અને કોઈ ઉકેલ આવતો જણાતો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારનું કહેવું છે કે તેણે ચીનનો સામનો કરવા માટે સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે અને સૈન્ય નિર્માણનું કામ પણ ચાલી રહ્યું છે. ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે 2020માં સરહદ પર અથડામણ બાદ ભારતે ચીનને પોતાની જમીન ગુમાવી દીધી છે. વિરોધ પક્ષોએ પણ મોદી સરકારના નરમ વલણ વિશે અનેક આક્ષેપો કર્યા છે. ખુદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીન દ્વારા ભારતની જમીન પર કબજાને લઈને વારંવાર સવાલો ઉઠાવ્યા છે.
બીજી તરફ ભારતના વડાપ્રધાન ચીન વિશે બોલવાનું ટાળી રહ્યા છે. મોદી સરકારનું મૌન ચીન સામેની રણનીતિનો ભાગ છે કે મજબૂરી? પોલિટિકલ એક્સપર્ટનું કહેવું છે કે – ભારત તરફથી ચીની આક્રમકતાનો જવાબ આપવો એ માત્ર લશ્કરી પ્રશ્ન નથી. રાજકીય અને વ્યાપારી હિતોને કારણે તે ખૂબ જ જટિલ બની ગયો છે. આવી સ્થિતિમાં ભારત માટે એ વિચારવું ખૂબ જ જરૂરી છે કે ચીનને જવાબ આપવો જ પડશે તો તે ક્યારે અને કેવી રીતે આપી શકાય. ભારત કેમ શાંતિ ઈચ્છે છે? શું ચીનથી ડરે છે? નહીં, પણ તેની પાછળની અનેક ગણતરીઓ રહેલી છે.
2022માં ચીનની જીડીપી 18 ટ્રિલિયન ડોલર નજીક હતી અને ભારતની જીડીપી 3.5 ટ્રિલિયન ડોલરથી ઓછી હતી. આ રીતે જ ગયા વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ 230 બિલિયન ડોલર હતું, જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં ત્રણ ગણું વધુ હતું. ચીન અને ભારત વચ્ચેનો આ તફાવત ચીનને ભારત પર હાવિ થવાનો આધાર આપે છે.
આ ઉપરાંત વિદેશના સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે – એવું કંઈ સ્પષ્ટ નથી કે અમેરિકા અથવા અન્ય મોટી શક્તિઓ સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારી એ હદે છે કે ચીન સાથેના મુકાબલાની સ્થિતિમાં તે ખુલ્લેઆમ ભારતની તરફેણમાં આવશે. ભારતને એવી કોઈ ખાતરી મળી નથી કે ચીન તરફથી તણાવની સ્થિતિમાં તેના ભાગીદારો ખુલ્લેઆમ આગળ આવશે અને ભારતની પડખે ઊભાં રહેશે.
આ નિષ્ણાતોનું વધુમાં કહેવું છે કે – ભારત વ્યાપારિક બાબતોમાં ચીન પર આજે પણ નિર્ભર છે. વળી, વિશ્વના કોઈપણ દેશ સાથે ભારતનો કોઈ પારસ્પરિક સંરક્ષણ કરાર નથી. લશ્કરી કટોકટી દરમિયાન ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા અને યુએસનો સમાવેશ કરતું જૂથ ક્વાડની લશ્કરી મદદની કલ્પના કરવી હજુ વહેલું છે. ચીન સાથેના મુકાબલાની સ્થિતિમાં કોઈ બહારના દેશ પાસેથી લશ્કરી મદદની અપેક્ષા રાખવી ભારત માટે મુશ્કેલ છે. મજાની વાત તો એ છે કે ભારતની પડખે ઉભું રહે એવું એક રશિયા હતું, પણ આજકાલ રશિયા અને નજદિકીયાં ખુબ વધી ગઈ છે એટલે એ શક્યતા પણ રહી નથી. યુક્રેન સાથેના યુદ્ધ પછી ચીન ખુલીને રશિયાની પડખે ઊભું છે.
અહીં એ પણ ના ભૂલવું જોઈએ કે ભારતના 5 ટ્રિલિયન ઈકોનોમી બનવાના સપનાઓ ચીનને આભારી છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, તેમાં સસ્તા ચીની ઉત્પાદનો મોટો ફાળો છે. આ ઉત્પાદનો ખાતરોથી લઈને ડેટા પ્રોસેસિંગ એકમો સુધી વિસ્તરેલા છે. સરહદ પરની આક્રમકતા સામે ચીન પર વ્યાપારી નિયંત્રણો લાદવાનું ભારતને જ ભારે પડી શકે છે. એટલે ચીનના દરેક ઉંબાળીયા સામે ભારતે સ્ટ્રેટેજિક જવાબ આપવો ખુબ જરૂરી છે.
આજે ચીન સાથેના સંઘર્ષની સ્થિતિમાં પાછળ પડી જઈએ તો શું કરવું તેની કોઈ સ્પષ્ટ યોજના આપણી પાસે નથી. ચીન પાસે ભારત કરતાં વધુ શક્તિ છે. ચીનને પછાડી દેશું એવી ખાતરી સાથે આજે ભારત યુદ્ધના મેદાનમાં ચીન સામે ઉતરી શકે એવું નથી. અને છ દાયકા પૂર્વેના ચીન સામેના યુદ્ધમાં ભારતે ખમવી પડેલી હારને કેવી રીતે ભૂલી શકીએ. મોદી સરકાર વિકાસમાં માને છે, નહીં કે વિનાશમાં. જે પણ પગલું ઉઠાવશે સોચી-સમજીને ઉઠાવશે. નહેરુ કે વાજપેયીની જેમ ઉતાવળિયું નહીં હોય.