એક રામ ચરિત માનસના પાઠમાં વ્યાસપીઠ પરથી કથાકારે કહ્યું, ‘સહુ નસીબદાર છો કે આ સત્સંગમાં ભાગ લેવા અહીં આવી શક્યા છો પણ કહું છું કે સાવધાન થઇ જજો….’કોઈને સમજાયું નહિ કે કથાકાર આમ કેમ કહે છે. કથાકારે પોતાની વાતને આગળ વધારતા કહ્યું, ‘સહુ ભક્તજનો તમે અહીં ભગવતનામ લેવા આવ્યા છો અને તે નામ બરાબર લઈ શકો અને રામનામમાં રંગાઇ શકો તે માટે કહું છું સાવધાન થઇ જજો.
આ વાત હું એક નાનકડા ઉદાહરણ સાથે સમજાવું.એક ગામમાં દુકાળ હતો, વરસાદ વરસ્યો જ ન હતો પણ હવે વરસાદ વરસે તેવા એંધાણ હતા અને પીવાનું પાણી પણ મળતું ન હતું.વરસાદ વરસે તો પીવા માટે પાણી મળે તે માટે ગામલોકોએ પોતાની અગાસીઓ અને આંગણામાં ખાલી વાસણો મુક્યા.નસીબજોગે રાત્રે વરસાદ વરસ્યો અને બધાના ખાલી વાસણો પાણીથી ભરાઈ ગયા.પણ એક માણસના અગાસી પર મુકેલા વાસણોમાં એક ટીંપુ પણ પાણી ભરાયું ન હતું…ચારેબાજુ વરસાદ વરસ્યો હતો..બધાના વાસણો ભરાઈ ગયા હતા …પણ આ માણસનું વાસણ સાવ કોરું રહી ગયું હતું…
આમ કેમ થયું ?? કારણ એ હતું કે તે માણસ ગાફેલ હતો તેણે વાસણ મુકવામાં ભૂલ કરી હતી…તેને વાસણ ઊંધું મુક્યું હતું અથવા તો જો બરાબર મુક્યું હોય તો તે ઊંધું થઇ ગયું હતું અને એટલે તેનું વાસણ ખાલી ખમ રહ્યું હતું…..’આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા. કથાકાર પણ હસ્યા પછી આગળ બોલ્યા, ‘આ કોઈ મજાક ભરેલી વાત નથી.આમાં ગુઢ અર્થ છે તે સમજાવું છું સાંભળજો, આ દ્રષ્ટાંતમાં માણસ ગાફેલ રહ્યો એટલે વરસાદ વરસ્યો પણ તેને પાણી ન મળ્યું…તેનું વાસણ ઊંધું હતું એટલે તેમાં પાણી ન ભરાયું.
આ માણસ એટલે આપણે બધા છીએ અને અને વાસણ આપણું મન અને મગજ છે જો આપણે ગાફેલ રહીશું અને આપણા મન અને મગજમાં કોઈ વિચારો અને ચિંતા હશે તો ઉંધા વાસણની જેમ તેમાં હરિનામનો રસ ભરાશે નહિ.એટલે જ કહું છે કે સત્સંગમાં પધાર્યા છો નસીબદાર છો પણ આ સત્સંગનો લાભ લેવા હરિનામના રંગમાં રંગાવા માટે તૈયાર થઇ જજો અને સાવધાન થઇ જજો.પૂરેપૂરું ધ્યાન અહીંજ લગાવજો સઘળાં વિચારો અને ચિંતા ભૂલીને રામનામ લેજો તો જ સ્ત્સ્નગના સાચા રંગમાં રંગાઇ શકશો.’કથાકારે સત્સંગણી શરૂઆતમાં જ સાચી સમજ આપી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.