આણંદ : આણંદ જિલ્લામાં ગુરૂવારની મોડી રાત્રે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેમાંય બોરસદ શહેરની હાલત દયનિય બની ગઇ હતી. માત્ર ચાર કલાકમાં 12 ઇંચ જેટલા અનારાધાર વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. પાણી ઘરોમાં ઘુસી ગયાં હતાં, નિચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. તેમાંય પાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજાનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જેના કારણે પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઇ ગયો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
આદ્રાનક્ષત્રમાં વરસાદની ચાતક નજરે વાટ જોવડાવ્યા બાદ પુષ્યનક્ષત્રના પહેલા જ દિવસે બોરસદમાં જાણે રથયાત્રામાં ભગવાનની સવારીના વધામણાં કર્યા હોય તેમ માત્ર ચાર કલાકમાં જ મુશળધાર વરસાદ પડ્યો હતો. બોરસદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં એકાએક મેઘતાંડવ સર્જીને સાંબેલાધાર એકટસે 12 ઇંચથી વધુ વરસાદ ઝીંકી દેતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદે એક નવયુવાનનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે અગિયાર જેટલા દૂધાળા પશુઓ ભારે વહેણમાં તણાઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. પાલિકાના પ્રિ- મોન્સૂન આયોજન પોકળ અને માત્ર કાગળો ઉપર હોવાનું સત્ય પુરાવર થયું હતું.
આણંદ જિલ્લામાં વરસાદ ખેંચાઇ જતાં ધરતીપુત્રો નિરાશામાં મુકાઇ ગયાં હતાં. કાળઝાળ ગરમી અને ઉકળાટભર્યા માહોલથી સમગ્ર વિસ્તારમાં અજંપો છવાઇ ગયો હતો. પરંતુ ગુરૂવારે મોડી રાત્રે સાંજના આઠ વાગ્યા બાદ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તેમાંય બોરસદ શહેર સહિત તાલુકાભરમાં એકાએક મેઘતાંડવ સર્જાયું હતું. વાદળોના કડકડાટ ગર્જના અને વિજળીના લિસોટા, મેઘર્જના થતાં આખો માહોલ બદલાઇ ગયો હતો. રાત્રે દસ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધીમાં ગાજવીજ પવન સાથે મુશળધાર વરસાદે બોરસદ શહેરને દરિયાના ટાપુ જેવું બનાવી દીધું હતું. બોરસદમાં અંદાજીત 12 ઇંચથી વરસાદ ખાબક્યો હોવાનું જણાઇ રહ્યું છે.
બોરસદના તોરણાવમાના વિસ્તારમાં હરિકૃપા, મહાવીર, ભગવતી, જડાબા સોસાયટી, શક્તિ કૃપા, જલારામ સોસાયટી, પુરૂષોત્તમનગર, કૃષ્ણનગર, આણંદ ચોકડી વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાઇ ગયા હતા. જ્યારે ટાઉનહોલ પાસે આવેલા વન તળાવ નજીક આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. રાત્રે ભારે પાણી ભરાતા નગરજનોએ આખી રાત ચિંતામાં વિતાવી હતી. ભારે વરસાદથી ઝુપડપટ્ટીઓના અસંખ્ય રહિશોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વન તળાવ વિસ્તારના સ્લમ વિસ્તારની ઝુપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બોરસદના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં.
વન તળાવ પાસેના કંસારી રોડ ઉપર કૃણાલ નામનો યુવક વહેલી સવારે ગાય માટે ઘાસચારો લઇને બાઇકથી પરત આવતો હતો, તે સમયે ભારે વહેણમાં તણાઇ જતાં પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બે કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ મળી આવતાં દલવાડી વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. દસથી બધુ દૂધાળા પશુઓ પાણીમાં તણાઇ ગયાં હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. એકાએક મેઘતાંડવ સર્જાતા બોરસદ પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ ઉપર રહ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી જવાના રસ્તે બનાવેલા નાળા તથા કાંસના પુરાણને કારણે 12 ઇંચ જેટલા વરસાદના પાણીનો નિકાલ ન થવાથી બોરસદ જળબંબાકાર થઇ ગયું હતું. પાલિકાની નબળી નેતાગીરી અને માત્ર સોશ્યલ મિડિયામાં ફોટા મુકવાની કામગીરી પ્રત્યે શહેર નગરજનો રોષ ઠાલવી રહ્યાં હતાં. પાણીના નિકાલના રસ્તાની સાફ સફાઇના અભાવે બોરસદ જળબંબાકાર બન્યું હતું. પાલિકાના વહીવટી તંત્રની અણઆવડત અને પોકળવાતોની નીતિને કારણે એક આશાસ્પદ યુવકનું મોત થયું છે.