બારડોલી: (Bardoli) બારડોલીના સરભોણ ગામે જૂના કાજી ફળિયામાં મંગળવારે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પકડાયેલા આરોપીઓને ગુરુવારે બારડોલી કોર્ટમાં (Court) રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપતાં તમામ 33 આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં (Jail) મોકલી આવ્યા હતા.
- સરભોણમાં ધીંગાણું કરનારા તમામ 33 આરોપીને લાજપોર જેલમાં ધકેલાયા
- બારડોલીના સરભોણ ગામે ગત મંગળવાર રાત્રે બે જૂથ સામસામે થઈ જતાં હંગામો સર્જાયો હતો
બારડોલીના સરભોણ ગામે ગત મંગળવાર રાત્રે બે જૂથ સામસામે થઈ જતાં હંગામો સર્જાયો હતો. બંને જૂથે એકબીજા પર લાકડાં અને ઈંટ વડે મારામારી કરી હતી. સવારના સમયે નજીવી બાબતે થયેલા ઝઘડાએ રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને 25 જેટલાં ટોળાંએ જયેશ રાઠોડ ઘર અને વાહનોમાં તોડફોડ કરી હતી. આથી જયેશે 25 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ભાવેશ રાઠોડે પણ આ મામલે જયેશ રાઠોડ સહિત આઠ સામે ફરિયાદ કરતાં બારડોલી ગ્રામ્ય પોલીસની ટીમે કુલ 33 આરોપીની ધરપકડ કરી હતી. જેમને ગુરુવારે બારડોલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતાં તમામને લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા.
ઊંચામાળામાં પત્ની સાથે પોતાની દીકરીઓને પણ માર મારનાર પતિ વિરુદ્ધ ફરિયાદ
વ્યારા: કાકરાપાર ઊંચામાળા ગામે ડુંગરી ફળિયામાં ઊર્મિલા ગામીત તા.૧૯ એપ્રિલે રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં પોતાની કરિયાણાની દુકાનમાં હતા. એ સમયે તેનો પતિ ભૂપેન્દ્ર ગામીત નોકરીથી આવી સૂવાની તૈયારી કરતો હોય, ઊર્મિલાને પંખાની સ્વિચ ચાલુ કરવાનું કહ્યું હતું. તું મારી સાથે ઝઘડો કરવા માટે આવું કહે છે કહી ઊર્મિલાને ગાળો આપી તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
ઊર્મિલા પોતાની દીકરી નિધી સાથે ત્યાંથી નાસી જઇ પોતાના ઘરનો દરવાજો બંધ કરી સંતાઇ ગઈ હતી. ત્યારે તેના પતિ ભૂપેન્દ્ર ગામીતે ઘરમાં જઇ ઘરના દરવાજાને ખોલવાની કોશિશ કરતાં ઊર્મિલાબેન પોતાની દીકરી નિધી તથા શ્રેયા સાથે ઘરના પાછલા દરવાજાથી નીકળી પાડોસી સતીષભાઇના ઘર પાછળ સંતાઇ ગઈ હતી. પણ તેના પતિએ પોતાની પત્ની અને તેની બંને દીકરીને શોધી કાઢી હતી. પત્નીને ઝાપટ મારી નજીકમાં પડેલું લાકડું ઉપાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પત્ની ઊર્મિલાને હાથ-પગ તથા શરીરના ભાગે છએક જેટલા સપાટા માર્યા હોય તથા તેની બંને દીકરી નિધી તથા શ્રેયાને પણ પગમાં એક-એક સપાટો મારતાં ભૂપેન્દ્ર ગણેશ ગામીત (રહે.,ઊંચામાળા, ડુંગરી ફળિયું, તા.વ્યારા, જિ.તાપી) વિરુદ્ધ તેની પત્નીની ફરિયાદના આધારે તાપી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ સહિતનો ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.