સુરત: (Surat) બારડોલીના સુરતી પાર્ક વિસ્તારમાં ટેમ્પો (Tempo) પાર્ક કરવા જેવી નાની અમથી બાબતમાં ટેમ્પોચાલકને બે ઈસમોએ લાકડાનો સપાટો મારતાં માથું ફૂટી ગયું હતું. આ ઘટના અંગે બારડોલી (Bardoli) ટાઉન પોલીસમથકમાં (Police station) બે ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
સુરતી પાર્ક સોસાયટીમાં રહેતી ગુલઝારબાનુ મોહમ્મદ ઝૂબેર કાગજીએ આપેલી ફરિયાદ મુજબ રવિવારે સાંજે તેના ઘર પાસે બનેવી મકસુદ અબ્દુલ સમદ કાગજી (રહે., ઉપલી બજાર, બારડોલી) પોતાનો શાકભાજીનો ટેમ્પો પાર્ક કરવા ગયા હતા. ત્યારે ત્યાં એક મોટરસાઇકલ પાર્ક કરેલું હતું. આથી મોટરસાઇકલના માલિક મોહમ્મદ ઈર્ષાદ મુબારક હુસેનને જણાવ્યું હતું કે, તમે તમારું મોટરસાઇકલ હટાવી લો અહીં મારે ટેમ્પો પાર્ક કરવો છે. આથી ઇર્ષાદે તેની સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો.
સામાન્ય બોલાચાલી બાદ મકસુદ જતો રહ્યો હતો. મોડી સાંજે મકસુદ ફરી ટેમ્પો લેવા માટે આવ્યો ત્યારે ઇર્ષાદે તેને પકડી લીધો હતો અને તેનો ભાઈ મોહમ્મદ આલ્ફાજ મુબારક હુસેન આવી જતાં તેણે મકસુદના માથામાં લાકડાનો સપાટો મારી દીધો હતો. આજુબાજુના લોકો ભેગા થઈ જતાં બંને ભાઈઓ આજે તો તું બચી ગયો છે, હવે પછી તું નહીં બચે એમ કહી નાસી ગયા હતા. મકસુદને ઇજાગ્રસ્ત હાલતમાં બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મકસુદની સાળી ગુલઝારબાનુની ફરિયાદના આધારે મોહમ્મદ આલ્ફાજ મુબારક હુસેન અને મોહમ્મદ ઇર્ષાદ મુબારક હુસેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શેખપુરમાં બીમારીની દવાને બદલે ભૂલથી અનાજમાં નાંખવાની દવા પી જતાં યુવતીનું મોત
કામરેજ: શેખપુર ગામે રહેતી યુવતીએ બીમારીની દવાની બાજુમાં અનાજમાં નાંખવાની દવા ઊંઘમાં પી લેતાં મોત નીપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્રના બુલદાણા જિલ્લાના દગળવાડી ગામના વતની અને હાલ સુરતના કામરેજ તાલુકાના શેખપુર ગામે હરિદર્શન સોસયટી વિભાગ ડી મકાન નં.311 માં રહેતા રવિ દુર્યોધન કદમની ધોરણ-12માં અભ્યાસ કરતી 17 વર્ષની પુત્રી આરતી છેલ્લા ત્રણ દિવસથી બીમાર હોવાથી દવા ચાલતી હતી. બે દિવસ અગાઉ બપોરના 1 કલાકે ઊંઘમાં ઊઠીને બીમારીની દવાની બાજુમાં પડેલી અનાજમાં નાંખવાની દવા પી જતાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં રવિવારે હોસ્પિટલમાં મોત નીપજતાં કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.