Dakshin Gujarat

બારડોલીમાં એસ.ટી. બસનો ચાલક યશવંતસિંહ સોલંકી નશાની હાલતમાં ઝડપાયો

બારડોલી: (Bardoli) બારડોલીના લિનિયર બસ સ્ટેન્ડ પરથી નશાની હાલતમાં એસટી બસના (Bus) ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કંડક્ટરની ફરિયાદના આધારે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત વિભાગીય કચેરી હેઠળ આવતા માંડવી એસ.ટી. ડેપો દ્વારા માંડવી દાહોદ બસનું સંચાલન કરવામાં આવે છે. બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ માંડવીથી ઉપડેલી આ બસમાં ડ્રાઇવર તરીકે યશવંતસિંહ નુરપતસિંહ સોલંકી (ઉં.વ.38) (રહે., બાહીગામ, બ્રાહ્મણ ફળિયું, તા.શહેરા, જિ.પંચમહાલ) અને કંડક્ટર તરીકે નિલેષ કાંતિલાલ પટેલ (રહે., બામણવાડા, તા.ચીખલી, જિ.નવસારી) નોકરી પર હતા.

એકાદ કલાક બાદ બસ બારડોલીના રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પર પહોંચી હતી અને ત્યાંથી બસ લિનિયર બસ સ્ટેન્ડ પર જતાં જ મુસાફરોને બસચાલક નશાની હાલતમાં હોવાનું લાગતાં તેને નીચે ઉતારી તપાસ કરી તો દારૂની ગંધ આવી રહી હતી. કંડક્ટરે ઉપરી અધિકારી બીપીન રામ ચૌહાણને બોલાવ્યા હતા અને ચર્ચા બાદ કંડક્ટરે બસચાલક યશવંતસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

Most Popular

To Top