બારડોલી: (Bardoli) સુરતથી બારડોલી જતા કે આવતા લોકો માટે અસ્તાન રેલવે ફાટક (Railway Crossing) ક્રોસ કરવું જીવના જોખમરૂપ બન્યું છે. બારડોલી તાલુકાના અસ્તાનથી ખારવાસા રોડને (Road) જોડતા નહેર રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. લાંબા સમયથી અહીં રોડ શોધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવતું નથી. ગુરુવારના રોજ એક ટેમ્પો (Tempo) મોટા ખાડાને કારણે પલટી ગયો હતો. નસીબજોગ કોઈ જાનહાનિ થઈ ન હતી.
- સુરતથી બારડોલી જતા કે આવતા લોકો માટે અસ્તાન રેલવે ફાટક (Railway Crossing) ક્રોસ કરવું જીવના જોખમરૂપ બન્યું
- અસ્તાન નહેર રોડ પર ખાડા ખાબોચિયાને લીધે ટેમ્પો પલટી ગયો
બારડોલીની અસ્તાન રેલવે ફાટક પર ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી હોય ટ્રાફિકને અસ્તાન નહેર રોડ પરથી ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ જ્યારથી ડાઇવર્ઝન આપ્યું છે ત્યારથી આ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. વાહન ચાલકોએ અહીંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. અનેક વખત અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે ગુરુવાના રોજ એક ટેમ્પો આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ખાડાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. નસીબ જોગ કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઉમરામાં નાના ભાઈને ત્યાં સાફસફાઈ કરવા ગયેલા મોટા ભાઈના ઘરમાં ચોરી
સાયણ: ઓલપાડના ઉમરા ગામની એક સોસાયટીમાં બાઈક ઉપર આવેલો શખ્સ રોકડા રૂપિયા સહિત સવા તોલા સોનાના દાગીના મળી કુલ રૂ.૭૩,૦૦૦ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
મૂળ સૌરાષ્ટ્રના ભાવનગરના વતની કેતનભાઇ દામજીભાઇ કવા હાલમાં ઓલપાડના ઉમરા ગામે આવેલા શિવાંજલિ રો-હાઉસના મકાન નં.૧૧૧માં રહે છે અને ડાયમંડનો ધંધો કરે છે. ઘરે ગણપતિની સ્થાપના કરવાની હોવાથી ગત તા.૧૭/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૧ વાગ્યે કેતનભાઇ પોતાના નીચેના રૂમના દરવાજાને બહારથી નકૂચો મારી પત્ની-દીકરી સાથે ઉપર રહેતા નાનાભાઈને ત્યાં સાફસફાઈ માટે ગયા હતા.
બપોરે ૧થી ૨ કલાક દરમિયાન ટીવીએસ એક્સેસ બાઈક ઉપર એક અજાણ્યો ચોર ઇસમ આવ્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડા રૂ.૩૦,૦૦૦ તથા સોનાના દાગીના પૈકી ૪ ગ્રામ વજનની સોનાની બુટ્ટી, ૪ ગ્રામ સોનાની કાનસેટ, ૩ ગ્રામ સોનાની ચૂડી તથા ૧.૫ ગ્રામ સોનાની વીંટી મળી કુલ સવા તોલાના સોનાના દાગીના, જેની કુલ કિંમત રૂ.૪૦,૦૦૦, એક મોબાઇલ ફોન જેની કિં.રૂ.૩,૦૦૦ મળી કુલ રૂ.૭૩,૦૦૦ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બાબતે ચોરીનો ભોગ બનનાર કેતન કવાએ અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ યુ.કે.ભરવાડ કરી રહ્યા છે.