બારડોલી: રાજકોટના (Rajkot) ધોરાજી ખાતે બીજાં લગ્ન કરનારી યુવતીને તેના સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજ (Dowry) પેટે રૂ.10 લાખની માંગણી કરી હતી. યુવતીએ બારડોલી (Bardoli) ટાઉન પોલીસમથકમાં સાસરિયાં વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ કરતાં પોલીસે (Police) આગળની તપાસ હાથ ધરી છે.
- પહેલાં લગ્નમાં સુખ ન મળ્યું તો બીજવર સાથે બીજાં લગ્ન કર્યાં, પણ પરિણીતાને દહેજ માટે ત્રાસ
બારડોલીની અકસાનગર સોસાયટીમાં રહેતા રહીશખાન પઠાણની પુત્રી તૈયબાનાં લગ્ન રાજકોટના ધોરાજી ખાતે રહેતા ઇકબાલ નસીમ પોઠિયાવાલા સાથે વર્ષ-2022માં થયાં હતાં. આ પહેલાં તેણીનાં લગ્ન સુરતના ચોક બજાર ખાતે થયાં હતાં. જ્યાંથી તેના છૂટાછેડા થઈ ગયા હતા. ઇકબાલ અને તૈયબા બંનેનાં આ બીજાં લગ્ન હતાં. લગ્ન બાદ તૈયબા રાજકોટના ધોરાજી ખાતે રહેવા ગઈ હતી.
જ્યાં થોડા સમય સારી રીતે રાખ્યા બાદ સાસુ શબાના અને નણંદ ફાતેમા દ્વારા વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તા.27/1/2023ના રોજ સાસુ અને નણંદે માર મારી હાથમાં બચકાં ભર્યાં હતાં. જેથી સાસુના દાંતમાંથી લોહી નીકળવા લાગતાં સાસુએ વિડીયો બનાવી તૈયાબા તેણીને મારી રહી હોવાની હકીકત સમાજ સમક્ષ રજૂ કરી હતી. લગ્ન પહેલાથી જ પતિ ઇકબાલનો બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યા હતા. વારંવાર ત્રાસથી કંટાળી તૈયાબા તેના પિતાના ઘરે બારડોલી આવી ગઈ હતી.
ઈકબાલે તારો બાપ તને દસ લાખ આપે તો જ તને લેવા આવું એમ કહી શરતોનું લિસ્ટ મોકલી આપ્યું હતું. આથી તૈયાબાએ બારડોલી ટાઉન પોલીસમથકમાં તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે પતિ ઇકબાલ નસીમ પોઠિયાવાળા, સાસુ શબાના નસીમ પોઠિયાવાળા, નણંદ ફાતેમા નસીમ પોઠિયાવાળા અને ફોઇ સાસુ સબીહા આસીફ ગોડીલ સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.