Dakshin Gujarat

લો બોલો! સાસુ હેરાન કરતી હોવાથી વહુએ જ પ્રેમીને ફોન કરી હત્યાનો પ્લાન બનાવ્યો

અનાવલ: મહુવાના આંગલધરા ગામથી (Village) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વહુએ તેના પ્રેમી સાથે મળી સાસુની હત્યાનો (Murder) પ્લાન બનાવ્યો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ હકીકત સામે આવતા પોલીસ (Police) પણ ચોંકી ગઇ હતી. જે બાદ મહિલા પર હુમલો કરનાર આરોપી ઝડપાઇ ગયો હતો. તો પોલીસ તપાસમાં વધુ રહસ્યો બહાર આવે તેવી ભીતિ સેવાઇ રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવાના આંગલધરામાં નાયકી ફળિયામાં રહેતાં 55 વર્ષીય કલાબેન બાબુભાઈ પટેલ વહેલી સવારે ખેતરમાં ઘાસચારો કાપવા માટે ગયાં હતાં. કલાબેન ઘાસચારો કાપી રહ્યાં હતાં, એ દરમિયાન પાછળથી આશરે 25થી 30 વર્ષીય અજાણ્યો ઈસમ આવ્યો હતો. અને કલાબેનને મોંના ભાગે કોથળી પહેરાવી ગળું દબાવી આડી પાડી દૂર સુધી ઘસડી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કલાબેનના હાથમાં ઘાસ કાપવાનું દાતરડું હતું. જે દાતરડું સ્વબચાવમાં તેઓએ બૂમાબૂમ કરી આમતેમ ફેરવવાનું શરૂ કર્યું હતું.

જે દાતરડાથી અજાણ્યા યુવાનને જમણા ભાગે માથાના ભાગે તેમજ બંને હાથે સામાન્ય ઇજા થતાં મહિલાએ કરેલા પડકારથી ગભરાઈને યુવાન નજીકમાં આવેલા શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. આ ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમ બનાવી હત્યાનો પ્રયાસ કરનાર યુવાનની આજુબાજુનાં ગામો તેમજ હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી. પોલીસ દ્વારા નજીકનાં સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યાં હતાં. ઉપરાંત લોહીવાળો હાથ રૂમાલ કબજે લઈ પરિવારના સભ્યોની કોલ ડિટેઇલ મેળવી તપાસ હાથ ધરતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર યુવાનને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.

મહુવા તાલુકાના કોષ ગામે રહેતા ઉમેશ રતીલાલભાઈ પટેલને શંકા આધારે તેના ઘરેથી ઊંચકી કડક પૂછતાછ હાથ ધરી હતી અને પોલીસ તપાસમાં યુવાન ભાંગી પડ્યો હતો અને પોતે મહિલાની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી મહુવા પોલીસ દ્વારા યુવાન ઉમેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન હત્યાનો પ્રયાસ કરનાર ઉમેશ પટેલે કબૂલ્યું હતું કે, મહિલા કલાબેન પટેલની મોટી વહુ સાથે તેને પ્રેમસંબંધ હતો. મહિલા તેની મોટી વહુને નાની-નાની વાતોમાં ખૂબ હેરાન કરતી હતી. જે તમામ બાબતે પ્રેમિકા વહુ ફોન પર પોતાનો પ્રેમી ઉમેશને કહેતી હતી. જેથી ઉમેશે પ્રેમિકાની સાસુ કલાબેન પટેલની હત્યાનો પ્લાન બનાવી દીધો હતો અને મંગળવારે હત્યા કરવાના ઈરાદે તેમના પર હુમલો કર્યો હતો.

Most Popular

To Top