બારડોલી તાલુકાનું છેલ્લું ગામ હોવા છતાં પણ વિકાસ અને પ્રાથમિક સુવિધાની દૃષ્ટિએ વાઘેચની આગેકૂચ
ગામમાં રહેતા અને પરદેશમાં રહેતા ગામના પાટીદારો ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે હંમેશાં તત્પર
ગામની મુખ્ય વસતી પાટીદાર, હળપતિ, નાયકા અને માહ્યાવંશી સમાજની છે
નવસારી, પલસાણા અને બારડોલીમાં ઔદ્યોગિક વિકાસ થતાં નવી પેઢી માટે રોજગારીની વિપુલ તકો ઊભી થઈ
બારડોલી-નવસારી રોડ પર પૂર્ણા નદીના કિનારે વસેલું સુરત જિલ્લાનું આખરી ગામ એટલે વાઘેચ. ભલે છેલ્લું ગામ હોય પણ વિકાસ અને પ્રાથમિક સુવિધાની દૃષ્ટિએ આ ગામ આગળ પડતું છે. તેનો શ્રેય પાટીદાર પરિવારોને જાય છે એવું કહીએ તો બિલકુલ ખોટું નથી. ગામમાં રહેતા અને પરદેશમાં રહેતા ગામના પાટીદારો વખતોવખત ગામમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે હંમેશાં તત્પર રહેતા હોય છે. મિનરલ વોટરથી લઈ ઘર ઘર નળની સુવિધા સરકારી યોજના શરૂ થાય તેનાં વર્ષો પહેલા ગામમાં ઉપલબ્ધ બની હતી. ગામમાં મુખ્ય વસતી પાટીદાર, હળપતિ, નાયકા અને માહ્યાવંશી સમાજની છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો રહ્યો છે. ખેતીમાં મુખ્ય પાક તરીકે શેરડીનું વાવેતર કરવામાં આવે છે. બારડોલી, મહુવા અને ગણદેવી સુગર ફેક્ટરી નજીક પડતી હોય ખેડૂતો ત્યાં શેરડી નોંધાવી પોષણક્ષમ ભાવ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો ડાંગર અને બાગાયતી પાકો જેવા કે કેરી પર પણ હાથ અજમાવી રહ્યા છે. પિયત માટે નહેર અને બોરવેલ બંનેની સગવડ હોવાથી મહદઅંશે સિંચાઇના પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમ છતાં કૃષિ માટેની વીજળીના કલાકોમાં વારંવાર મૂકવામાં આવતા કાપથી બોરવેલથી ખેતી કરતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગોઝારી ખાડી અને પૂર્ણા નદીની વચ્ચે આવેલા આ ગામને નવસારી જિલ્લાના પેરા, સુપાગા, પલસાણા તાલુકાનાં અંભેટી, બારડોલી તાલુકાનાં નોગામા, પારડી અને કૂવાડિયા ગામની સીમા અડે છે. ગામનું કુલ ક્ષેત્રફળ 320.01 હેક્ટર છે. સુરત જિલ્લા મથકથી 50 કિમી દૂર અને બારડોલી તાલુકા મથકથી 15 કિમી દૂર આવેલું છે. સુરત, નવસારી અને બારડોલી જવા માટે આ ગામ મુખ્ય સડક માર્ગથી જોડાયેલું છે. જેથી ગ્રામજનોને અવરજવરમાં મોટી મુશ્કેલી પડતી નથી. ગામમાં હળપતિ સમાજના લોકો ખેતમજૂરી સાથે જોડાયેલા છે. પરંતુ હવે નવસારી, પલસાણા અને બારડોલીમાં ઔદ્યોગિક વિકાસ થતાં નવી પેઢીને રોજગારીની તકો ઊભી થતાં તેઓ નોકરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેનાથી તેમનું જીવન ધોરણ પણ ઊંચું ગયું છે.
ગામમાં ક્યારેય કોઈ જાતિગત ભેદભાવ જોવા નથી મળ્યો: માજી સરપંચ મનહરભાઈ પટેલ
ગામની માહિતી વિશે વિસ્તારથી વાત કરતા ગામના અગ્રણી અને માજી સરપંચ મનહરભાઈ લલ્લુભાઈ પટેલ જણાવે છે કે, વાઘેચ અને બાજુમાં આવેલું કૂવાડિયા ગામની એક જ ગ્રામ પંચાયત છે. જે વાઘેચ કૂવાડિયા જૂથ ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે. ગામમાં ક્યારેય કોઈ જાતિગત ભેદભાવ જોવા નથી મળ્યો. તમામ જાતિના લોકો હળીમળીને રહે છે. વિકાસનાં કામોનો લાભ પણ ગામના તમામ વ્યક્તિને મળે તે માટે અમારી ગ્રામ સમિતિ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. સરકારી કામો હોય કે NRI અને ગામના સહયોગથી થતાં કામો હોય તમામ કામોમાં કરતાં પહેલા ગ્રામ સમિતિની બેઠકમાં તેની ચર્ચા થાય છે અને ત્યારબાદ કયા કામને અને કયા વિસ્તારને મહત્ત્વ આપવું એ બાબતો નક્કી કરવામાં આવતી હોય છે. આ ગ્રામ સમિતિમાં તમામ સમાજના આગેવાનો જોડાયેલા છે. તમામ નિર્ણયો સહમતીથી લેવામાં આવે છે. આથી વિવાદ થવાની સંભાવના નહીંવત રહે છે. તેઓ આગળ જણાવે છે કે, ગામના 150 જેટલા પરિવાર અમેરિકા અને યુ.કે.માં સ્થાયી થયા છે. જેઓ વખતોવખત વતનનું ઋણ ચૂકવતા આવ્યા છે. જેનો લાભ ગામના તમામ વર્ગોને મળે છે. ગામમાં સિમેન્ટ કોંક્રીટનો રોડ પણ અમેરિકા અને ગામમાં રહેતા લોકોના સહકારથી બનાવવામાં આવ્યો છે. ગામમાં થતાં તમામ કામો તે પછી સરકારી હોય કે લોકફાળાથી થતાં હોય મનહરભાઈ પટેલ પોતાની નાદુરસ્ત તબિયત છતાં તેનું સંપૂર્ણ ધ્યાન રાખતા આવ્યા છે. તેઓ વિદેશમાં રહેતા પરિવારોના નામ લેતા જણાવે છે કે, નરેન્દ્રભાઈ દેવાભાઈ પટેલ, અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ, ભરતભાઇ વલ્લભાઈ પટેલ, ગોપાલભાઈ દુલ્લભભાઈ પટેલ, સંજયભાઈ મનહરભાઈ પટેલ અને હિતેશભાઈ ડાહ્યાભાઈ પટેલ સહિતના પરિવારોનો ગામના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. પ્રાથમિક સુવિધાથી લઈ ગામમાં અન્ય કોઈ પણ જરૂરિયાત હોય તો તેઓ તાત્કાલિક ગામની મદદે આવતા હોય છે.
વિકાસનાં કામોમાં ગ્રામ સમિતિની વિશેષ ભૂમિકા
ગામમાં વિકાસનાં કામો માટે એક વિશેષ ગ્રામ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં તમામ સમાજના લોકો જોડાયેલા છે. ગામમાં લોકફાળાથી થતાં કામો કે પછી સરકારની યોજના મારફતે આવતાં કામો અંગે ગ્રામ સમિતિ દ્વારા ચર્ચા કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેનો નિર્ણય લેવામાં આવે છે. આ સમિતિમાં મનહરભાઈ લલ્લુભાઈ પટેલ, ભરતભાઇ મગનભાઇ પટેલ, ગોપાલભાઈ દુલ્લભભાઈ પટેલ, દયાળભાઈ છોટુભાઇ પટેલ, રમેશભાઈ ભગુભાઈ પટેલ કમલેશભાઈ રામરતનભાઈ, સુજલભાઈ છગનભાઈ પટેલ સહિતની વ્યક્તિઓ જોડાયેલી છે. જેઓ ગ્રામ પંચાયતના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરી ગામમાં થઈ રહેલા અને ભવિષ્યમાં થનારાં કામો બાબતે આયોજન કરે છે.
પીવાના પાણીની સુલભ વ્યવસ્થા
ભારત સરકાર દ્વારા હાલમાં જ નળ સે જળ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી ગામડામાં રહેતા લોકોને ઘર બેઠા નળના માધ્યમથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ વાઘેચ ગામના આગેવાનોની દુરદર્શિતા એવી કે તેમણે આ કામ વર્ષો અગાઉ જ કરી દીધું હતું. ગામમાં લોકફાળાથી ઘરે ઘર નળની સુવિધા ઊભી કરવામાં આવી હતી. સરકારી યોજના પહેલા જ ગામના તમામ ઘરોમાં નળના માધ્યમથી પાણી પૂરું પાડવા માટે નરેન્દ્રભાઈ દેવાભાઈ પટેલ પરિવાર અને મનહરભાઇ લલ્લુભાઈ પટેલ પરિવાર દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવ્યું હતું. તે સમયે ગામમાં લોકફાળાથી બસ સ્ટેન્ડની બાજુમાં એક પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જો કે, પાણીનો વપરાશ વધતાં ગ્રામજનો વધુ એક પાણીની ટાંકીની માંગ કરી રહ્યા છે. નવસારી તરફના પાદરે આ માટે 51 હજાર રૂપિયા ખર્ચીને રેખાબેન મનહરભાઈ પટેલ તરફથી બોરવેલ પણ કરાવી આપવામાં આવ્યો છે. જ્યાં પાણીની ટાંકી બનાવવામાં આવે તો ગ્રામજનોને પૂરતા દબાણથી પાણી મળી રહે એમ છે. હાલમાં સરકારી યોજના અંતર્ગત ગામમાં નવી પાઇપલાઇન વડે પણ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે.
ગામનું ગૌરવ મનહરભાઈ પટેલ
ગામના આગેવાન અને વડીલ મનહરભાઈ લલ્લુભાઈ પટેલે ગામમાં 35 વર્ષ સુધી સરપંચ તરીકે સેવા આપી ગામના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. તેઓ બિનહરીફ ચુંટાઈ આવતા હતા. તેઓ સુરત અને નવસારી જિલ્લાની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ બંને જિલ્લાની વિવિધ સામાજિક અને શૈક્ષણિક ઉપરાંત સહકારી સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તો હાલમાં તેઓ સુરત જિલ્લાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા વિદ્યાભારતી ટ્રસ્ટ, ઉમરાખના પ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ નજીકમાં આવેલી શ્રી સરભોણ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ તરીકે, નવસારી જીનમાં કમિટી સભ્ય, નવસારી જિલ્લા પાટીદાર સમાજમાં ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી (તાજપોર કોલેજ)માં ટ્રસ્ટી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. તેમનો મુખ્યમંત્ર છે આર્થિક રીતે નબળા વર્ગના લોકોના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાનમાં સહભાગી થવું.
આ ઉપરાંત મનહરભાઇ એશિયાની સૌથી મોટી ગણાતી સહકારી ક્ષેત્રની સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર અને ઉપપ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. નવસારી જિલ્લાની ગુરુકલ સુપા વિદ્યાલયના પ્રમુખ, નવસારી ખેડૂત સહકારી જીનના પ્રમુખ, સરદાર પટેલ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ, તેમજ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સહકારી સંસ્થાઓમાં સભ્ય તરીકે રહી ચૂક્યા છે. વિદેશ જવાની તક હોવા છતાં અને વિદેશમાં જ જન્મેલા હોવા છતાં તેમણે જીવનમાં મેરા ભારત મહાનના સૂત્રને આત્મસાત કરીને ભારતમાં જ રહેવાનો નિર્ણય કરી સમગ્ર જીવન ગામ અને વિસ્તારના લોકોને સેવા માટે ખર્ચી નાંખ્યું છે. હાલ નાદુરસ્ત તબિયત હોવા હતા તેઓ સેવાકીય કાર્યમાં ક્યારેય પાછળ પડતા નથી. હાલ તેઓ પત્ની રેખાબેન સાથે રહે છે. જ્યારે પુત્ર-પુત્રવધૂ અને બે પૌત્રી USAમાં સ્થાયી થયાં છે.
ગામમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ
દેશ અને રાજ્યમાં પુરુષ અને મહિલાનો રેશિયોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે વહુમતી આદિવાસી વસતી ધરાવતું વાઘેચ ગામ મહિલા સશક્તિકરણ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અહી મહિલાઓની સંખ્યા પુરુષ કરતાં વધુ જોવા મળે છે. લગભગ મોટા ભાગના ગામમાં પુરુષ કરતાં સ્ત્રીની સંખ્યા ઓછી હોય છે. જ્યારે વાઘેચમાં આ રેશિયો વધુ છે. ખાસ કરીને આદિવાસી વસતીમાં આ રેશિયો વધારે છે. પુરુષોની સરખામણીએ 16 મહિલા વધુ છે. અને તે પણ અનુસૂચિત જનજાતિની વસતીમાં જોવા મળતો હોય અન્ય લોકો માટે ગામ પ્રેરણારૂપ બની રહ્યું છે.
તમામ પરિવારોને વિનામૂલ્યે મિનરલ વોટરની સુવિધા
ગામના તમામ ઘરોને મિનરલ વોટર વિનામૂલ્યે પૂરું પાડતું બારડોલી તાલુકાનું જ નહીં, પરંતુ સુરત જિલ્લાનું પણ પહેલું ગામ હોવાનું ગ્રામજનોનો દાવો છે. ગ્રામજનોના મત મુજબ વર્ષો પહેલાં ગામમાં મિનરલ વોટર માટે એક વિશેષ શેડ બનાવવામાં આવ્યો હતો. આ મિનરલ વોટર પ્લાન્ટ ગામના જ NRI અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ પરિવારના સહયોગથી બનાવવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, મોટા ભાગનાં ગામોમાં મિનરલ વોટર મેળવવા માટે માસિક ભાડું ચૂકવવાનું હોય છે અને તે પણ અમુક સમાજ માટે જ ઉપલબ્ધ હોય છે. ત્યારે અહીંના દરિયાદિલ ગ્રામજનોએ મિનરલ વોટરની સુવિધા ગામના તમામ વર્ગો માટે ખુલ્લી મૂકી છે અને તે પણ વિનામૂલ્યે મિનરલ પાણી આપવામાં આવી રહ્યું છે.
વસતીવિષયક માહિતી (2011 મુજબ)
ઘરોની સંખ્યા 231
કુલ વસતી 958
પુરુષ 471
મહિલા 487
અનુસૂચિત જાતિ 24 (પુરુષ 12,
મહિલા 12)
અનુસૂચિત જનજાતિ 868 (પુરુષ 426,
મહિલા 442)
અન્ય 66
સાક્ષરતા દર 60.54%
પુરુષ સાક્ષરતા દર 64.76%
મહિલા સાક્ષરતા દર 56.47%
રોજીરોટી માટે નવસારી, પલસાણા અને બારડોલી પર આધાર
વાઘેચ ગામ બારડોલી અને નવસારીની વચ્ચોવચ આવેલું ગામ છે. ગામના લોકો રોજીરોટી માટે ખાસ કરીને નવસારી અને પલસાણા ખાતે આવેલી GIDC પર આધાર રાખે છે. આ ઉપરાંત બારડોલી તરફ પણ કામધંધાર્થે લોકો જતાં હોય છે. તો કેટલાક પરિવાર ખેતમજૂરી કરીને પણ પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. બારડોલી નવસારી રાજ્ય ધોરી માર્ગ પર જ ગામ વસેલું હોવાથી વાહન વ્યવહારની ખૂબ જ સારી વ્યવસ્થા હોવાને કારણે લોકો આરામથી અવરજવર કરી શકે છે. એસ.ટી. બસની સુવિધા પણ મહદઅંશે સારી હોવાથી ગ્રામજનો નોકરી પર જવા આવવા માટે બસનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.
ખેતીવાડીના રસ્તા બનાવવા માંગ
વાઘેચ ગામમાં ખેડૂતો અને ખેતમજૂરોને ખેતીવાડીમાં જવા માટે મુખ્ય બે રસ્તા આવેલા છે. એક ગામથી પૂર્ણા નદી તરફ જતો રસ્તો અને બીજો ગામથી ગોઝારી ખાડી તરફ જતો રસ્તો. આ બંને રસ્તા મેટલ અથવા તો ડામરના બનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ચોમાસા દરમિયાન રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે પણ રસ્તા બનાવવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી હલ થઈ શકે એમ છે.
વાઘેચમાં છે સ્વયંભૂ દારૂબંધી
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં ગામેગામ દેશી-વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાય એ સામાન્ય બાબત છે. ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં દારૂ મળતો ન હોય. ત્યારે બારડોલી તાલુકાનું આ ગામ ચુસ્ત અને સ્વંયભૂ દારૂબંધીનો અમલ કરી અન્ય ગામો માટે પ્રેરણા પૂરું પાડી રહ્યું છે. ગામમાં ઘણાં વર્ષોથી દારૂ વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ગ્રામજનોએ જાતે આ નિર્ણય લીધો છે. દારૂની બદીએ અનેક લોકોના પરિવાર બરબાદ કરી નાંખતાં અંતે ગામના યુવાઓ અને અગ્રણીઓએ ભેગા થઈ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ એક નવી દિશા ચીંધી છે. આમ તો કોઈ દારૂ વેચાણની પ્રવૃત્તિ કરતું જ નથી. પરંતુ જો કોઈ પકડાય તો ગ્રામજનોએ તેમના માટે દંડની જોગવાઈ પણ કરી છે. ગામના આ નિર્ણયને અનેક પરિવારો બરબાદ થતાં અટકી ગયા હોવાનું સ્થાનિકોનું માનવું છે.
સરકારી વિકાસનાં કામોમાં ગુણવત્તા જળવાતી નથી
ગામમાં સરકારી યોજના થકી વિકાસનાં કામો થઈ રહ્યાં છે. પરંતુ કેટલાક ગ્રામજનો કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, વિવિધ ફળિયામાં પેવર બ્લોક, સીસી રોડ, તેમજ ગટરલાઇનની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોય છે. ગુણવત્તાના અભાવે ખૂબ જ ટૂંકા ગાળામાં ગટરનાં ઢાંકણાં તૂટી જવા, બ્લોક બેસી જવા કે સી.સી. રોડ તૂટી જવા જેવા બનાવો બને છે. આથી ગામમાં થતાં વિકાસનાં કામોમાં ગુણવત્તા જળવાય તેવી માંગ પણ ઊઠી રહી છે.
પ્રાથમિક શાળાનું વર્ષો જૂનું મકાન તોડી નવું બનાવવા માંગ
વાઘેચમાં આવેલી પ્રાથમિક શાળાની સ્થાપના દેશની આઝાદી પહેલા વર્ષ-1931માં થઈ હતી. સ્થાપનાનાં 91 વર્ષ થતાં હવે શાળાનું મકાન જર્જરિત થઈ રહ્યું છે. પ્રાથમિક શાળાને નવા મકાનની જરૂરિયાત હોવાનું પણ સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામેગામ શાળાનાં નવાં મકાનો બની રહ્યાં છે ત્યારે વાઘેચમાં વર્ષો જૂની શાળા માટે મકાન હજી સુધી કેમ ના બન્યું તે અંગે ગ્રામજનો સવાલો કરી રહ્યા છે. ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાનું નવું મકાન હોય તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે શાળા એ ગામનું ઘરેણું છે. ત્યારે આ ઘરેણું જૂનું થયું હોય તેની જગ્યાએ બીજું બનાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. કારણ કે, જર્જરિત બની રહેલી શાળા વિદ્યાર્થીઓ માટે પણ જોખમી બની શકે એમ છે. હાલ શાળામાં 1થી 5 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કઈ રહ્યા છે. કુલ 36 વિદ્યાર્થી પૈકી 20 કુમાર અને 16 કન્યા પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. શાળામાં 2 શિક્ષકો અને ત્રણ મધ્યાહન ભોજનના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. શાળામાં બનાવવામાં આવેલા બગીચામાં વિવિધ રમતગમતનાં સાધનો મૂકવામાં આવ્યાં છે. જે બાળકોના શારીરિક ઉપરાંત માનસિક વિકાસ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ધોરણ-5 પછી ગામના વિદ્યાર્થીઓએ સરભોણ હાઈસ્કૂલ અથવા તો ભૂવાસણ પ્રાથમિક શાળામાં વધુ અભ્યાસ માટે જવું પડે છે. જે અહીંથી લગભગ 6 કિ.મી. દૂર છે. ગામના 100 જેટલા વિદ્યાર્થીઓ સરભોણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. જેઓ અવરજવર માટે એસ.ટી. બસનો ઉપયોગ કરે છે.
ગામનાં મંદિરો આસ્થાનાં પ્રતીક
ગામમાં આવેલાં મંદિરો પણ આસ્થાનાં પ્રતીક છે. અહીં મહાદેવ મંદિર, ભવાની માતા મંદિર ઉપરાંત ભાથીજી મહારાજ મંદિર સહિતનાં મંદિરો આવેલાં છે, જેમાં ગામના લોકો શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે. મહાદેવ મંદિરનું નિર્માણ રેખાબેન મનહરભાઈ પટેલ તેમજ ભવાની માતા મંદિરનું નિર્માણ વલ્લભભાઈ પરભુભાઈ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
સરકારી વિકાસનાં કામોમાં ગુણવત્તા જળવાતી નથી
ગામમાં સરકારી યોજના થકી વિકાસનાં કામો થઈ રહ્યાં છે. પરંતુ કેટલાક ગ્રામજનો કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, વિવિધ ફળિયામાં પેવર બ્લોક, સીસી રોડ, તેમજ ગટરલાઇનની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોય છે. ગુણવત્તાના અભાવે ખૂબ જ ટૂંકા ગાળામાં ગટરનાં ઢાંકણાં તૂટી જવા, બ્લોક બેસી જવા કે સી.સી. રોડ તૂટી જવા જેવા બનાવો બને છે. આથી ગામમાં થતાં વિકાસનાં કામોમાં ગુણવત્તા જળવાય તેવી માંગ પણ ઊઠી રહી છે.
રેતી વહનને કારણે રસ્તાને નુકસાન
ગ્રામજનોનું કહેવું છે કે નવસારી જિલ્લામાં પડતાં નદીના પટ્ટામાંથી રેતીની લીઝની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ લીઝ ધારકો નવસારી તરફથી રેતીનું વહન કરવાની જગ્યાએ કૂવાડિયા અને વાઘેચ ગામ થઈને મોટા મોટા વાહનો દ્વારા વહન કરે છે. જેને કારણે ગામના રસ્તાઓને મોટું નુકસાન થઈ રહ્યંં છે. લીઝની આવક નવસારી જિલ્લામાં જતી હોય છે ગામને તેનાથી કોઈ ફાયદો થતો ન હોય તો અહીંથી વાહનો પસાર થવા ન દેવાની માગ છે. રેતી ભરેલા વાહનો પૂરઝડપે જતાં હોય અકસ્માતની પણ સંભાવના રહેલી છે. ત્યારે નવસારી જિલ્લા તરફથી જ યોગ્ય વિકલ્પ શોધી રેતીના વાહનોની અવરજવર થાય તે જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
પૂર્ણાની ગોદમાં વસેલું નાનકડું કૂવાડિયા ગામ
વાઘેચની બાજુમાં જ આવેલું કૂવાડિયા ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. પુર્ણા નદીના તટે નયનરમ્ય વાતાવરણમાં વસેલું આ ગાનું ક્ષેત્રફળ 82.03 હેક્ટર છે. માત્ર 50 જેટલા જ પરિવારો રહે છે. ગામના મોટા ભાગના લોકો ખેતમજુરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. વાઘેચ કૂવાડિયા જુથ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા આ ગામની વસ્તી માત્ર 191 લોકોની છે. બારડોલી તાલુકાનાં નાના ગામોમાં તેની ગણતરી થાય છે. ગામમાં નદીને પેલે પર નવસારી જિલ્લાનું કુરેલ ગામ પડે છે. કૂવાડિયાના અગ્રણી રમેશભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, અમારું ગામ એક જ પરિવારનું છે. કીકા દાદા નામના અમારા વડવાના ત્રણ દીકરાઓ હતા અને આ ત્રણ દીકરાના પરિવાર થકી જ અમારું ગામ બન્યું છે. ગામના લોકો રોજીરોટી માટે ખેતમજુરી અને નવસારી-બારડોલી તરફ મિલોમાં નોકરી માટે જતાં હોય છે. કેટલાક પરિવારો પાસે ખેતી હોય તેઓ શેરડી, ડાંગર અને શાકભાજીની ખેતી કરી પેટિયું રળી લેતા હોય છે. કેટલાક પરિવારોએ પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે. પશુપાલન કરતાં પરિવારોએ દૂધ આપવા માટે નજીકના તરભોણ ગામની દૂધ મંડળીમાં જવું પડે છે જે ગામથી અંદાજિત પાંચેક કિમી દૂર આવેલું છે. ગામના પાણી, રસ્તાની સુવિધા ઉપલબ્ધ છે. શાળામાં 1 થી 5 ધોરણ સુધીની શાળા આવેલી છે વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ સરભોણ હાઈસ્કૂલ અથવા તો તરભોણ પ્રાથમિક શાળામાં જવું પડે છે. ગામમાં બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી લોકોને અવરજવરમાં તકલીફ પડે છે.
વાઘેચ કૂવાડિયા ગ્રુપ ગ્રામ પંચાયત બોડી
રંજનબેન પ્રકાશભાઈ નાયકા – સરપંચ
ઉષાબેન પ્રકાશભાઈ રાઠોડ – ઉપ સરપંચ
ધર્મેશભાઈ શાંતુભાઈ નાયકા – સભ્ય
લીલાબેન ડાહ્યાભાઈ નાયકા – સભ્ય
મનીષાબેન હિરેનભાઈ નાયકા – સભ્ય
પુષ્પાબેન યોગેશભાઈ નાયકા – સભ્ય
ઈશ્વરભાઈ ભૂલાભાઈ નાયકા – સભ્ય
સતીષભાઈ સુરેશભાઈ નાયકા – સભ્ય
દેવજીભાઈ પરાગભાઈ માહ્યાવંશી – સભ્ય
ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવાસ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી
કૂવાડિયા ગામ ગૌચરની જમીન પર આવેલું હોય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવાસ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી. એટલું જ નહિ ગામમાં આવેલી શાળા પણ ગૌચરની જમીનમાં હોય આજ સુધી ગ્રામ પંચાયતના ચોપડે તેની કોઈ નોંધ થઈ નથી. ગૌચરની જમીન હોવાથી હવે નવા આવાસ બનાવવાની મંજૂરી સરકાર તરફથી મળતી ન હોય ગ્રામજનોને મોટી હાલાકી પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા બાબતે કોઈ નિવેડો લાવવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.
નદી કિનારે પાળો બનાવવા માંગ
કૂવાડિયા ગામ પુર્ણા નદીના કિનારે આવેલું હોવા છતાં ઊંચાઈ પર હોવાને કારણે પૂરનો ભય સતાવતો નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નદીમાં આવતા ભારે પૂરને કારણે ગામની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. જેને કારણે ખેતરો ઉપરાંત મકાનોની નજીકથી ભેખડ ધસી પડવાની પણ સંભાવના છે. ગામના લોકો નદી કિનારે પાળાનું નિર્માણ કરવાની માગ કરી રહ્યા છે. જેથી ગામની ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકાવી શકાય.
અતિરુદ્રેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતીક
ગામમાં પુર્ણા નદીના કિનારે આવેલું ઓમ આર્યમ ધર્મક્ષેત્ર અતિરુદ્રેશ્વર મહાદેવ મંદિર માત્ર કૂવાડિયા જ નહીં પરંતુ આજુબાજુના ગામોના લોકો માટે પણ આસ્થાનંહ પ્રતીક છે. અહી દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે અને શ્રદ્ધાપૂર્વક પુજા અર્ચના કરે છે.
ગ્રામ પંચાયત સમરસ
છેલ્લા ઘણા લાંબા સમયથી વાઘેચ-કૂવાડિયા જૂથ ગ્રામ પંચાયતમાં ચૂંટણી થઈ નથી. ગામના લોકો ભેગા મળી સભ્યો અને સરપંચની પસંદગી કરે છે અને તેને જ સર્વસંમતિથી ચુંટાયેલા જાહેર કરવામાં આવે છે. ગત 2018ના વર્ષમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ ન હતી. તમામ સભ્યોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવતાં સમરસ ગામ તરીકે જાહેર થયું હતું. આથી સમરસ ગ્રામ પંચાયતની સરકારી યોજનાનો લાભ પણ ગામને મળી રહ્યો છે.
ગામની વસતી વિષયક માહિતી (2011)
ઘર 51
કુલ વસતી 191
પુરુષ 99
સ્ત્રી 92
સાક્ષરતા દર 81%