બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના નોગામા પારડી ગામના (Pardi Village) બસ સ્ટેન્ડ (Bus Stand) પાસે પૂરઝડપે આવતા છોટા હાથી ટેમ્પોએ મોટરસાઇકલને (Bike) અડફેટમાં લેતા ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મરનાર તરભોણના ખેડૂત હોવાનું જાણવા મળ્યું છે.
- નોગામા પારડી પાસે છોટા હાથી ટેમ્પોએ અડફેટે લેતા તરભોણના ખેડૂતનું મોત
- નવસારીના કબીલપોરના ટેમ્પો ચાલક સામે ગુનો નોંધાયો
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના તરભોણ ગામે પટેલ ફળિયા ખાતે રહેતા વિજયભાઈ ઉર્ફે શૈલેષભાઇ લલ્લુભાઇ પટેલ (ઉ.વર્ષ 52) ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા હતા. રવિવારે સવારે તેઓ તેમની બાઇક નંબર જીજે 19 એપી 6072 લઈને તેમના ઘરે જઈ રહ્યા હતાં. તે સમયે નવસારી – બારડોલી રાજ્ય ધોરીમાર્ગ પર નોગામા પારડી બસ સ્ટેન્ડ પાસે છોટા હાથી ટેમ્પો (નં. જીજે 21 ડબ્લ્યુ 3842)એ તેમની મોટરસાઇકલને ટક્કર મારી દીધી હતી. જેમાં તેમને ગંભીર ઇજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નવસારીના કબીલપોર સ્થિત જામપીર જોગીવાડ ખાતે રહેતા મોતીરામ નાનુભાઇ સેજરામ નામના ટેમ્પો ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
નોગામા બસ સ્ટેન્ડ રોડ અકસ્માત ઝોન બની ગયો છે
બારડોલી નવસારી રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા નોગામા પારડી ગામના બસ સ્ટેન્ડ પાસે પાંચ રસ્તા ભેગા થતા હોય વારંવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. એટલું જ નહીં બારડોલી તરફ મોટો અને જોખમી વળાંક પર આવેલો છે. જે અકસ્માતનું મૂળ કારણ છે. વળાંકમાંથી વાહનો દેખાઈ શકતા ન હોય પૂરઝડપે આવતા વાહન ચાલકો અન્ય આંતરિક રસ્તા પરથી આવતા કે આંતરિક રસ્તા તરફ વળતા વાહનો જોઈ શકતા નથી જેને કારણે આ જગ્યા અકસ્માત ઝોન બની ગઈ છે. સ્થાનિકોએ અહીં બમ્પર મૂકવા માટે વારંવાર રજૂઆત કરી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઓલપાડના પરીઆ ગામની સીમમાં શેરડી સળગાવવા ગયેલ મજુર દાઝી ગયો
સાયણ: મુળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીમર ગામનો વતની નરેશ શિવાલીયા નાયક(ઉ.વ.૧૮) હાલમાં ઓલપાડ તાલુકાના પરીઆ ગામે ખરી ફળીયામાં સુગરની શેરડી કાપનારા મજુરોના પડાવમાં રહી શેરડી કાપવાની મજુરી કરતો હતો. તે ગત શનિવાર તા.૧૧ ના રોજ પરીઆ ગામના કુંભાર ફળિયામાં રહેતા ખેડૂત રામુભાઇ દાયારામ લાડના બ્લોક નં.૨૯૯ વાળી ખેત જમીનમાં શેરડીની કાંપણી ચાલતી હતી. આ મજુર બીજા દિવસ માટે શેરડી કાપવાની હોવાથી શેરડી સળગાવા ખેતરના અંદરના ભાગે ઉભો હતોતે સમયે અચાનક વધુ આગ લાગતા તે ગભરાઇ ગયો હતો અને સળગતી શેરડી તરફ નાસવા જતા તે આગની લપેટમાં આવી જવાથી આખા શરીરે દાઝી ગયો હતો. જેથી તેને સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હાલમાં તેની સારવાર ચાલુ છે. આ બનાવ બાબતે દાઝી જનાર ઈજાગ્રસ્ત નરેશ નાયકના બનેવી રમેશ દેવલીયા નાયકે ઓલપાડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ સાયણ પોલીસ કરી રહી છે.