બારડોલી: ઉત્તરાયણ પર્વને હજી 20 દિવસની વાર છે, એ પહેલા જ પક્ષીઓ (Birds) પતંગની દોરીનો (kite string) શિકાર બની રહ્યા છે. શનિવારે બારડોલીના (Bardoli) સામરિયા મોરા ખાતે આવેલા વૃક્ષ પર એક ઘૂવડ (Owl) પતંગના દોરામાં ફસાઈ ગયું હતું. બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ઘૂવડને બચાવ્યું હતું. ઇજા પામેલા ઘૂવડને ફ્રેન્ડ ઓફ એનિમલ વેલફેરની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતી હોય છે
ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતી હોય છે. પતંગ ચગાવવા માટે વપરાતા કાચવાળા અને ચાઇનીઝ માંજાને કારણે આકાશમાં ઊડતા નિર્દોષ પક્ષીઓ આસાનીથી ભોગ બનતા હોય છે. શનિવારે સવારે બારડોલીના સામરિયા મોરા વિસ્તારમાં આવેલા ગુમમહોરના વૃક્ષ પર એક પક્ષી પતંગના દોરામાં ફસાયેલું જોવા મળ્યું હતું.આ અંગે નગરપાલિકાના કર્મચારી ધર્મિનભાઈએ ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને કરતાં તેઓ ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.
બંને ટીમોએ પક્ષીને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા.
બંને ટીમોએ પક્ષીને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. ફાયર વિભાગની ટીમે વૃક્ષ પર ચઢી પક્ષીને પતંગના દોરામાંથી છોડાવ્યું હતું. આ પક્ષી રેવીદેવી ઘૂવડ (બાર્ન આઉલ) હોવાનું જતીન રાઠોડે જણાવ્યું હતું. ઘૂવડને ઇજા થતાં તેને તાત્કાલિક ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના સેન્ટર પર લઈ જવાયું હતું. જ્યાં ઘૂવડને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ ઇજાગ્રસ્ત ઘૂવડ અંગે સામાજિક વનીકરણના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીને જાણ કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઘૂવડને સહી સલામત જંગલમાં છોડવામાં આવશે.