બારડોલી: બારડોલી (Bardoli) શહેર તેમજ તાલુકામાં ભક્તોએ નવ દિવસ પૂજન-અર્ચન કર્યા બાદ શુક્રવારે ગણપતિને( Ganesha) ભારે હૈયે વિદાય આપી હતી. બારડોલી શહેરના ગણપતિ (Ganpati) વિસર્જન (Visarjan) કરવાની જગ્યાએ વહીવટી તંત્રને સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વહીવટી તંત્રે ટ્રકો મારફતે હજીરાના (Hazira) દરિયાકિનારે લઈ જઇ વિસર્જન કર્યુ હતું.બારડોલીના મુખ્ય રોડ પર રેલવે સ્ટેશનથી વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરનાં ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રા સ્ટેશનથી જલારામ મંદિર, ભંડારી વાડ, લીમડા ચોક થઈ આંબેડકર સર્કલ પહોંચી હતી.
બારડોલી શહેરની ૨૦૦ જેટલી મૂર્તિઓ મોડી સાંજ સુધીમાં વિસર્જન
ગણેશ મૂર્તિઓ મોટી ટ્રકોમાં એકત્રિત કરી હજીરા તરફ રવાના કરવામાં આવી હતી. વિસર્જન યાત્રામાં ૩૦થી ૪૦ જેટલી મૂર્તિઓ જોડાઈ હતી. બપોરના સમયે વિસર્જન યાત્રા દરમિયાન ભારે વરસાદમાં પણ ભાવિક ભક્તો ઢોલ અને ત્રાસા સાથે ઝૂમતા નજરે પડ્યા હતા. વિસર્જન યાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે પાણી, શરબત અને હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બારડોલી શહેરની ૨૦૦ જેટલી મૂર્તિઓ મોડી સાંજ સુધીમાં વિસર્જન સ્થાન પર વાહનો મારફત મોકલવામાં આવી હતી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલાં કુદરતી તળાવમાં ગણેશ વિસર્જન કરાયું હતું. બારડોલી શહેરમાં નવ નવ દિવસ સુધી પૂજા-અર્ચના કરી ગણેશજીની સેવા કરનાર ભક્તોને વિસર્જન કરવાની તક ન મળતાં કચવાટ જોવા મળ્યો હતો.
તેન ગામમાં વિસર્જન ન કરવા દીધું
બારડોલી: બારડોલી તાલુકાના તેન ગામે આવેલા તળાવમાં શરૂઆmતથી ગ્રામજનોએ ગણેશ વિસર્જનનો વિરોધ કર્યો હતો. આથી વહીવટી તંત્ર દ્વારા બારડોલીની મૂર્તિઓ એકત્રિત કરી હજીરા દરિયામાં વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ તેન ગામના તળાવમાં તેન, બાબેન, ધામડોદ, લુંભા સહિતનાં ગામોના ગણપતિ વિસર્જન કરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો કે, શુક્રવારે વિસર્જનના દિવસે તેન ગામના લોકો તળાવકિનારે એકત્રિત થયા હતા અને વિસર્જન કરવા દીધું ન હતું.
વિસર્જન યાત્રામાં નગરપાલિકા તંત્ર નિષ્ક્રિય
બારડોલી: બારડોલી નગરપાલિકા તંત્ર ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં નિષ્ફળ રહ્યું હતું. બારડોલી નગરમાં નીકળતી વિસર્જન યાત્રાની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાતી હોય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી પાલિકા તંત્ર વિસર્જન મુદ્દે હાથ ઊંચા કરતું આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લગભગ મોટા ભાગની નગરપાલિકા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. પરંતુ બારડોલી નગરપાલિકા આ મુદ્દે તદ્દન નિષ્ક્રિય જોવા મળી હતી.