Dakshin Gujarat Main

બારડોલી: સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં સ્ટાફને બાનમાં લઈને ધોળે દિવસે લાખોની લૂંટ

બારડોલી: (Bardoli) સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમીડેટ (Surat district Co-operative Bank), મોતા શાખા (Mota branch) બારડોલી ખાતે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી. બારડોલીના મોતા ગામ ખાતે બેંકના સ્ટાફને બાનમાં લઈ લૂંટને (Loot) અંજામ આપીને ત્રણ લૂંટારું ફરાર થઈ ગયા હતા. ત્રણમાંથી બે લૂંટારું પાસે તમંચા હોવાનું સામે આવ્યું છે. આ આખો બનાવ સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગયો હતો. ત્રણેય લૂંટારુઓ બપોરના સમયે બેંકમાં કોઈની અવરજવર ન હોય તેવા સમયે પહોંચ્યા હતા. લૂંટારૂઓએ તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. બેંકમાં લાગવાયેલ સીસીટીવી કેમેરામાં લૂટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

બેંકમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તમંચો બતાવી કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ સાથે બેંકના મેનેજરને પણ બાન લીધો હતો. રૂપિયા કઢાવવા માટે મેનેજને લૂંટારૂઓએ એક-બે તમાચા માર્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. સીસીટીવી ચેક કરતા લૂંટારૂઓ 15 જ મિનિટમાં લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારૂ એક જ બાઈક પર ભાગી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફની નિવેદન લીધા હતા. જેમાં કર્મચારીઓએ લૂંટારૂઓ બાઈક લઈને કામરેજ તરફ ભાગ્યા હોવાનું જણાવ્યું હતું.

આ રીતે સીસીટીવી કેમેરામાં થયા કેદ

બારડોલામાં ધોળાદિવસે બનેલી લૂંટ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ત્રણ લૂંટારુ બેંકમાં ધસી આવે છે. જે બાદમાં બેંકના સ્ટાફને ધમકાવવા લાગે છે. તેમના હાથમાં તમંચો પણ જોઈ શકાય છે. થોડા સમય પછી બેંકના સ્ટાફને એક રૂમમાં જવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન લૂંટારું અમુક બેંકકર્મીઓ પર હાથ ઉપાડતા પણ નજરે પડે છે. જેમાં મહિલા સ્ટાફનો પણ સમાવેશ થાય છે. એક લૂંટારું મહિલાકર્મીની બોચી પકડીને તેને ધક્કો મારતો નજરે પડે છે. બેંકમાંથી લૂંટ ચલાવીને બાઇક પર ભાગેલા ત્રણેય લૂંટારું બેંકથી 100 મીટર દૂર એક ઘરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયા છે. લૂંટ કરીને ભાગ્યા બાદ બાઇક બંધ પડી જતાં બે લૂંટારું બાઇકને ધક્કો મારીને ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે એક લૂંટારું રોકડ સાથેનો થેલો લઈને ભાગતો નજરે પડે છે.

Most Popular

To Top