બારડોલી: (Bardoli) બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર નશામાં ધૂત (Alcoholics) 20 વર્ષીય કારચાલકે (Car Driver) એક મોપેડને અડફેટે લેતાં મોપેડસવાર દંપતી સહિત ત્રણને ઇજા પહોંચી હતી. અકસ્માત (Accident) બાદ ભીડ એકત્રિત થઈ જતાં લોકોએ પીધેલા કારચાલકને પકડીને પોલીસના (Police) હવાલે કર્યો હતો. સમગ્ર ઘટનામાં ભોગ બનનાર મોપેડચાલકે ફરિયાદ કરવાનો ઇન્કાર કરતાં ટાઉન પોલીસે જાતે ફરિયાદી બની યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને પગલે શાસ્ત્રી રોડ પર લોકટોળું (Crowd) એકત્રિત થઈ ગયું હતું.
- બારડોલીમાં નશામાં ધૂત 20 વર્ષના કાર ચાલકે ઊભેલી મોપેડને અડફેટે લેતાં ત્રણ ઘાયલ
- ઉમરાખ કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતાં યુવકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો
- મોપેડચાલકે ફરિયાદ કરવાનો ઇન્કાર કરતાં ટાઉન પોલીસ જાતે ફરિયાદી બની
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર તુલી એપાર્ટમેન્ટ પાસે રવિવારે રાત્રે દસ વાગ્યે એક કારચાલકે ઊભેલી મોપેડને ટક્કર મારતાં મોપેડસવાર ત્રણને ઇજા પહોંચી હોવાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. કાર મોપેડને ટક્કર માર્યા બાદ ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત થતાં જ લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને અકસ્માત સર્જનાર યુવકને લોકોએ પકડી લઈ પોલીસને સોંપ્યો હતો. પોલીસે તપાસ કરતાં અકસ્માતગ્રસ્ત મારુતિ સિયાઝ કાર નં.(જીજે 5 જેક્યુ 2003)નો ચાલક નશામાં ધૂત હતો. પૂછપરછમાં તેણે તેનું નામ હર્ષ કિરણ પટેલ (ઉં.વ.20) (રહે., એ/4 ગાંધી પેલેસ, ગોવિંદ આશ્રમની સામે, બારડોલી, મૂળ રહે., સાંધિયેર, સ્વામીનારાયણનગર, ઓલપાડ) જણાવ્યું હતું. પોલીસે તેનું મોં સૂંઘતાં તે નશાની હાલતમાં જણાયો હતો અને પોતે સંતુલન જાળવી શકતો ન હતો. પોલીસે તેને ઝડપી મેડિકલ ચકાસણીની કાર્યવાહી પ્રારંભી હતી.
વરાડ ખાતે રહેતા અર્જુન જીતુ રાઠોડ તેમની પત્ની વિભૂતિ અર્જુન રાઠોડ અને મિત્ર કિરણ સાથે વરાડથી બારડોલી આવ્યા હતા. તેઓ બારડોલીના મંછાબા હોલમાં રહેતા હોય ત્યાં જવા માટે તુલી એપાર્ટમેન્ટ પાસે મોપેડ લઈને ઊભા હતા. એ સમયે ઉપરોક્ત કારના ચાલકે પૂરઝડપે કાર હંકારી લાવી તેમની મોટરસાઈકલને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ત્રણેયને ઇજા થતાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૈશાલીબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, આ મામલે અર્જુને પોલીસ ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. આથી પોલીસે જાતે ફરિયાદી બનતાં ટાઉન જમાદાર સંજય સાંડસુરની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસની સમજાવટ બાદ લોકટોળું વિખેરાયું
ઘટનાની જાણ થતાં જ આજુબાજુના રહીશો અને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. લોકોએ પણ નશામાં ધૂત યુવક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસની સમજાવટ બાદ લોકટોળું વિખેરાઈ ગયું હતું.
નશામાં ધૂત ચાલકનાં માતા-પિતા કેનેડામાં સ્થાયી
અકસ્માત સર્જનાર નબીરો હર્ષ મૂળ ઓલપાડનો છે અને હાલ બારડોલીના ગાંધી પેલેસમાં રહેતા તેના સંબંધીને ત્યાં રહી ઉમરાખ કોલેજમાં બીસીએનો અભ્યાસ કરે છે. તેનાં માતા-પિતા કેનેડામાં સ્થાયી થયાં છે. આથી તે અહીં પોતાના સંબંધી સાથે રહી અભ્યાસ કરી રહ્યો છે. નશામાં ધૂત યુવકની આ કરતૂત બારડોલીનગરમાં ચર્ચાનો વિષય બની હતી.