બારડોલી: (Bardoli) બારડોલીના બાબેન ગામે આવેલી શબરી ધામ સોસાયટીમાં બે પરિવાર વચ્ચે કાર મૂકવા માટે ઝઘડો (Quarrel) થયો હતો. એક પરિવારના સભ્યો તલવાર અને ચપ્પુ લઈને તૂટી પડતાં સ્થાનિક રહીશોએ છોડાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ (Police) સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- બાબેનમાં કાર મૂકવા બાબતે બે પરિવાર બાખડ્યા, તલવાર અને ચપ્પુ ઊછળ્યા
- પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો
બારડોલીના બાબેન ગામે આવેલી શબરીધામ સોસાયટીમાં રહેતો મદનલાલ હરિરામ ગુજ્જર વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેની પાડોશમાં રહેતો બળવંતભાઈ નગીનભાઈ વસાવા (મૂળ રહે., વડોદ, તા.માંડવી) ગોળનું કોલું ચલાવે છે. બંને પરિવાર વચ્ચે ગાડી મૂકવા બાબતે અવારનવાર ઝઘડા થાય છે. રવિવારે રાત્રે આ જ મુદ્દાને લઈને થયેલો ઝઘડો મારમારી સુધી પહોંચી ગયો હતો. મદનલાલે આપેલી ફરિયાદ અનુસાર પાડોશમાં રહેતો બલવંત નગીન વસાવા, તેનો છોકરો પ્રતીક તથા સચિન સુરેશ વસાવા તેમજ સાથે આવેલ દિનેશ મોતિરામ વસાવા કિયા ગાડી નં.(જીજે 19બીઇ 1365) લઈને તેમના ઘરની બહાર આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા.
આથી મદનલાલ અને તેમના પરિવારે ગાળાગાળી ન કરવા સમજાવતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. બળવંતભાઈ અને પ્રતીક કારમાંથી તલવાર અને ચપ્પુ કાઢી મદનલાલ અને તેના પરિવારને મારવા દોડતાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને બંને પરિવારને છૂટા પાડ્યા હતા. આથી બળવંત અને તેમની સાથેના લોકો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
સામે પક્ષે બળવંત નગીન વસાવાએ પણ ફરિયાદ આપી હતી, જેમાં જણાવ્યા અનુસાર મદનલાલ અવારનવાર પોતાની ગાડી તેની ફોર વ્હીલ કાર સાથે ઘસી જતો હોય અને સોસાયટીમાં કાર ગમેતેમ પાર્ક કરતો હોય તે બાબતે કહેવા જતાં તેણે બોલાચાલી બાદ ઝઘડો શરૂ કર્યો હતો. બળવંતે મદનલાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે મદનલાલે બળવંત નગીન વસાવા, પ્રતીક બળવંત વસાવા, સચિન સુરેશ વસાવા, દિનેશ મોતીરામ વસાવા સામે ફરિયાદ કરી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.