SURAT

VIDEO: સુરતના કોટ વિસ્તારમાં મધ્ય રાત્રિએ દમામભેર નીકળી બાપ્પાની વિસર્જન યાત્રા

સુરત: સુરત શહેરમાં વર્ષોમાં પહેલીવાર આ વખતે મધ્ય રાત્રિથી જ બાપ્પાની વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી. શહેરના ભાગળ રોડ, રાજમાર્ગ સહિતની કોટ વિસ્તારની ગલીઓમાંથી ઢોલ નગારાના નાદ સાથે બાપ્પાની યાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી. ઊંચી પ્રતિમાઓને ડુમસ અને હજીરાના દરિયા કાંઠે વિસર્જન માટે લઈ જવાની હોય ગણેશ મંડળોએ મધ્ય રાત્રિએ જ નીકળવાનું નક્કી કર્યું હતું. ટ્રાફિક કે અન્ય કોઈ પણ અડચણ વિના યાત્રાને ઉત્સાહ પૂર્વક ભક્તો લઈ જતા નજરે પડ્યા હતા. રાત્રે બે વાગ્યાથી શહેરના કોટ વિસ્તારમાં બાપ્પાની વિદાય યાત્રા નીકળવાની શરૂ થઈ ગઈ હતી. સવારના 4 વાગ્યાના સુમારે ભાગળ ચાર રસ્તા, નાનપુરા જેવા વિસ્તારોમાં ભક્તોની ભીડ નજરે પડવા લાગી હતી.

કાર, રિક્ષા, ટેમ્પો અને લારી પર નીકળી બાપ્પાની સવારી
બાપ્પાની વિદાય યાત્રામાં તેમની સવારી પણ અનોખી હોય છે. કોઈક પોતાની આલિશાન કારમાં બાપ્પાને લઈ જાય તો કોઈક રિક્ષામાં. વળી, મોટી પ્રતિમાઓ ટ્રક, ટેમ્પો અને હાથલારીમાં પણ લઈ જતા જોવા મળે છે. બાપ્પાને પણ કોઈ નખરા નહીં. ભક્તો ભાવપૂર્વક જેમ લઈ જાય તેમ બાપ્પા વિદાય લેવા તૈયાર જ રહે.

સવારે મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓ નીકળ્યા પછી રાજમાર્ગ પર બપોરે સ્થિતિ સામાન્ય બની
તળ સુરતમાં ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો,ઘણા ગણેશ આયોજકોએ મળસ્કેથી જ મોટી પ્રતિમાઓનું વિસર્જન કર્યું,વર્ષો પહેલાં આનંદ ચૌદશના બીજા દિવસે સવાર સુધી ગણેશ વિસર્જન થતું હતું. આનંદ ચૌદશનો સુરજ ઉગે તે પહેલાં જ ચાર વાગ્યાથી શહેરના અનેક ગણેશ આયોજકોએ વિસર્જન યાત્રા કાઢી, મળશ્કે પણ અનેક ગણેશજી સાથે ઢોલ-નગારાનો નાદ સંભળાયો હતો.

સુરતના 9 ઝોનમાં 20 કૃત્રિમ તળાવ પર પ્રતિમાઓનું વિસર્જન
સુરતના નવ ઝોનમાં આવેલા 20થી વધુ કૃત્રિમ તળાવ પરથી દૂંદાળા દેવની પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ-અલગ ઓવારાઓ પર તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં આ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં આ વખતે 70,000 જેટલી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી.

કુત્રિમ તળાવ પર બાપ્પાની પ્રતિમાઓના વિસર્જન અને પૂજા અર્ચના માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ કૃત્રિમ તળાવ પર સીસીટીવી કેમેરા,વિશાળકાય ક્રેન,પૂજાપાની અલગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મોડી રાત સુધી શ્રીજી ની પ્રતિમાઓના વિસર્જન ની પ્રક્રિયા ચાલી શકે છે જેના પગલે લાઇટ સહિતની વ્યવસ્થાઓ પણ અહીં ઊભી કરવામાં આવી છે.જ્યાં કુત્રિમ તળાવો પર ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.

સવારે 10 વાગ્યા સુધીમાં 9 ઓવારા પર 1710 પ્રતિમાઓનું વિસર્જન
મધ્યરાત્રિથી જ વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાના લીધે વહેલી સવારથી જ પાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ ઓવારાઓ પર બાપ્પાની પ્રતિમાઓનું આગમન થવા લાગ્યું હતું. સવારે 6 વાગ્યાથી જ ઓવારાનો સ્ટાફ વ્યસ્ત થઈ ગયો હતો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પાલિકા દ્વારા બનાવાયેલા 9 ઓવારા પર 1710 પ્રતિમાઓનું વિસર્જન કરી દેવાયું હતું.

લિંબાયતમાં 11 વાગ્યા સુધી વિસર્જન યાત્રા શરૂ થઈ નહીં
દર વર્ષે લિંબાયતમાં વિસર્જન યાત્રા સૌથી વહેલી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અલગ માહોલ જોવા મળ્યો. સવારના 11 વાગ્યે લિંબાયતમાં વિસર્જન યાત્રા શરૂ થઈ નહોતી. દરમિયાન પોલીસ અને ફ્રેન્ડ ઓફ પોલીસ ખડેપગે ઉભા રહી સેવા બજાવતા નજરે પડ્યાં હતાં.

Most Popular

To Top